- મોટરસાઇકલ સવાર યુવક આકસ્મિક રીતે નહેર ખાબક્યો
- યુવકની મોટરસાયકલ મળી હતી પરંતુ યુવકનો કોઈ ભાળ મળી ન હતી.
- રોડ બન્યા બાદ તુરંત રેલિંગ બની હોત તો આજે આ યુવકનો જીવ બચી ગયો હોત
વ્યારા નગર નજીક પસાર થતી ડાબા કાંઠા નહેર માં એક મોટરસાઇકલ સવાર યુવક આકસ્મિક રીતે નહેર ખાબક્યો હતો, જેની જાણ ત્યાંથી પસાર થતા ઇસમે ફાયર વિભાગને કરતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી. ફાયર વિભાગને યુવકની મોટરસાયકલ મળી હતી પરંતુ યુવકનો કોઈ ભાળ મળી ન હતી.
વ્યારા ના ઓમ નગરમાં રહેતા મનોજ મહાલે નામનો યુવક ગુરુવારે બપોરે 12:00 થી 12:30 સમયે કેનાલ તરફના રસ્તેથી તેની હેર સલૂનની દુકાને જઈ રહ્યો હતો. તે દરમિયાન વ્યારાના આર્જવ સોસાયટી પાસેથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા કેનાલમાં બાઈક સાથે યુવક નહેર માં ખાબક્યો હતો.આ સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તેમજ વાહનચાલકોએ પાલિકાની ફાયર ફાઇટરને જાણ કરી હતી. જે બાદ ટીમ અને તરવૈયાઓ ઘટના સ્થળે દોડી આવીને ડુબેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. કેનાલનું વહેણ પૂરજોશમાં હોવાના કારણે કલાકો સુધી શોધખોળ કરાવા છતાં યુવક મળ્યો ન હતો.થોડી વાર માં કેનાલમાંથી યુવકનું બાઈક મળી આવ્યું હતું પરંતુ ડુબી ગયેલા યુવકનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. બીજી તરફ આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. વ્યારા નગર નજીક નહેર બાજુમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી બનેલ ડામર રોડ બાજુમાં રેલિંગ બનાવવા માટે વ્યારાના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો થઈ છે,ગત સોમવારે દિવ્ય ભાસ્કર અખબારમાં રેલીંગ ના અભાવે અકસ્માતો વધ્યા ના સમાચાર પ્રસિદ્ધ થયા હતા.જેને લઈ વ્યારા પાલિકાએ રોડની રેલિંગ બનવાનું મોડે મોડે યાદ આવ્યું અને હાલ તેનું કાર્ય મંથર ગતિએ ચાલી રહ્યું છે, પણ રોડ બન્યા બાદ તુરંત રેલિંગ બની હોત તો આજે આ યુવકનો જીવ બચી ગયો હોત.


.png)