મહિલા સશક્તિકરણને વરેલી રાજ્ય સરકાર મહિલાઓને આત્મનિર્ભર કરવા અનેકવિધ યોજનાઓના માધ્યમથી વિકાસના ફળો છેવાડાની મહિલાઓ સુધી પહોચાડી રહી છે. આ કામગીરીમાં બહેનોમાં રહેલી વિવિધ આવડતને કૌશલ્યવર્ધન કરી આત્મનિર્ભર બનાવવાની દિશામાં કાર્યરત છે. તાપી જિલ્લાની RSETI સંસ્થાન અને મિશન મંગલમ યોજના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં મહિલા ઓ પગભર બની રહી છે.
તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મિશન મંગલમ યોજના કાર્યરત છે જેમાં સખી મંડળની બહેનોને વિવિધ ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગ, બેકિંગ અકાઉન્ટીંગ, નાના મોટા કામો સફળતા પુર્વક શિખવી પરિવારને આર્થિક મદદરૂપ બનવા સક્ષમ બનાવવામાં આવે છે. RSETI સંસ્થાન બરોડાના નિયામકશ્રી કિરણ સતપુતે આ બાબતે વધુ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં Rsetiનું સેન્ટર વર્ષ 2010 થી શરૂ થયું હતું. અહીં વિના મૂલ્યે રહેવાની અને જમવાની સુવિધા સાથે કુલ 64 પ્રકારની વિવિધ તાલીમો નિ:શુલ્ક આપવામાં આવે છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ મિશન મંગલમ યોજનામાં જોડાયેલી બહેનોને પણ આ તમામ તાલીમોનો લાભ મળે છે. સંસ્થા થકી આજદિન સુધી કુલ 7280 મહિલાઓએ તાલીમ મેળવી છે. અને 4614 જેટલી મહિલાઓ સીવણ તાલીમ, પાપડ અથાણું અને માસાલા પાવડર બનાવટ, બેંક મિત્રની તાલીમ, તોરણ બનાવટ, પશુપાલન અને જૈવિક ખાતર ઉત્પાદન, કમ્પ્યુટરાઈઝ એકાઉન્ટીગ જેવા વિવિધ ક્ષેત્રે તાલીમ મેળવી આજીવીકા મેળવી રહી છે.
અંતે તેમણે સમગ્ર તાપી જિલ્લાની જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, નાના મોટા ઉધોગો થકી પોતાને આર્થીક રીતે પગભર બનવા ઇચ્છતા તમામ તાપી જિલ્લાના ભાઇ-બહેનો Rseti સેન્ટરમાં મળતી વિવિધ તાલીમોનો લાભ લે. મહિલાઓને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે અનેક યોજનાઓનો અસરકારક રીતે અમલ કર્યો છે. દેશ અને સમાજના વિકાસમાં નારીશક્તિની ભાગીદારી અમૂલ્ય છે ત્યારે તાપી જિલ્લામાં સરકાર દ્વારા કાર્યરત RSETI સંસ્થાન બરોડા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મિશન મંગલમ યોજના મહિલાઓની પ્રતિભાના વિકાસની સાથે બહેનોને આગવી ઓળખ અપાવવામાં મહત્વપુર્ણ સાબિત થઇ રહી છે.


.png)