સહકારી ક્ષેત્રમાં એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામ આવ્યા હતા. વર્ષોથી બારડોલી સુગરમાં દબદબો ધરાવતી સહકાર પેનલને કિસાન પરિવર્તન પેનલે કારમી હાર આપી હતી. 15 સભ્યોના નિયામક મંડળની ચૂંટણીમાં 14 બેઠકો પર કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારોએ જીત મેળવી છે, જ્યારે સહકાર પેનલના એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આ પરિણામને બારડોલી સુગરમાં મોટા સત્તા પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વર પરમાર સહિત દિગ્ગજોની હાર
બારડોલી સુગરની ચૂંટણીમાં સૌથી ચોંકાવનારું પરિણામ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની હાર છે. ઈશ્વર પરમારને 542 મતથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. વર્ષોથી સહકારી ક્ષેત્રમાં દબદબો ધરાવતા આગેવાનો સામે નવા ચહેરાઓની જીતને આ ચૂંટણીનું સૌથી મોટું પરિણામ માનવામાં આવી રહ્યું છે.
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને બારડોલી સુગરના કાર્યકારી પ્રમુખ તરીકે રહેલા ભાવેશ પટેલને પણ હારનો સામનો કરવો પડ્યો છે. મોટા બેઠક પર પરિવર્તન પેનલના ઉમેદવાર સતીશ પટેલે જીત મેળવીને વર્તમાન પ્રમુખ ભાવેશ પટેલને હરાવ્યા છે.
14 બેઠકો પર પરિવર્તન પેનલનો દબદબો
બારડોલી સુગર મિલની ચૂંટણીમાં કિસાન પરિવર્તન પેનલનું નિશાન ટ્રેક્ટર હતું તો સહકાર પેનલનું નિશાન બળદગાડું હતું. મતદાન થયેલી તમામ 14 બેઠકો પર પરિવર્તન પેનલના ઉમેદવારો વિજયી બન્યા છે. ખાસ વાત એ છે કે પેનલમાં મોટા સહકારી આગેવાનોના બદલે નવા અને યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને મતદારોએ તેમને જોરદાર સમર્થન આપ્યું છે.
ઓરણા બેઠક પરથી અનિલ પટેલે 672 મતથી, સેવણી બેઠક પરથી ચેતન પટેલે 465 મતથી અને પુણા બેઠક પરથી પ્રફુલ્લ પટેલે 666 મતથી જીત મેળવી છે. મોતા બેઠક પર શૈલેષ પટેલ 323 મતથી, નિઝર બેઠક પર રૂપેશ ભક્તા 508 મતથી અને બારડોલી બેઠક પર વિનોદ પટેલ 403 મતથી વિજયી થયા છે. ખરવાસા બેઠક પર ભૂપેન્દ્રસિંહ સોલંકીએ 544 મતથી, શામપુરા બેઠક પર કિરીટ પટેલે 405 મતથી અને એના બેઠક પર અતુલ પટેલે 263 મતથી જીત મેળવી છે. તુંડી બેઠક પરથી મુકેશ નગીન પટેલ 567 મતથી અને મોટી ફણોદ બેઠક પરથી પંકજ પટેલ 540 મતથી વિજયી બન્યા છે.
મહિલા અનામતની બંને બેઠકો પર પણ કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારોનો વિજય થયો છે. મહિલા અનામત બેઠક-1 પરથી ઉષા પ્રવીણ પટેલે 453 મતથી અને બેઠક-2 પરથી ઉષા પટેલે 435 મતથી જીત મેળવી છે. અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ બેઠક પર તરન વાઘેલાએ 542 મતથી વિજય મેળવ્યો છે. આ સાથે મતદાન થયેલી તમામ બેઠકો પર પરિવર્તન પેનલનું પ્રભુત્વ જોવા મળ્યું છે.
સહકાર પેનલને માત્ર એક બેઠક
15 બેઠકો ધરાવતા બારડોલી સુગરના નિયામક મંડળમાં સહકાર પેનલને માત્ર એક બેઠક મળી છે. તરજકા બેઠક પર સહકાર પેનલના અનિલ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. એટલે કે ચૂંટણીમાં મતદાન થયેલી 14 બેઠકોમાંથી એક પણ બેઠક પર સહકાર પેનલનો ઉમેદવાર જીતી શક્યો નથી.



.png)