લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress)ને મોટો આંચકો લાગ્યો છે. આવકવેરા વિભાગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાસેથી 115 કરોડ રૂપિયાની બાકી ટેક્સની વસૂલી પેટે 65 કરોડ રૂપિયા વસૂલ્યા છે. વિભાગે મંગળવારે કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતામાંથી આ વસૂલી કરી છે. વિભાગે ટેક્સની વસૂલાત કરવા માટે કોંગ્રેસના એકાઉન્ટની ઓળખ કરી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરાઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આઈટી વિભાગે કોંગ્રેસના એકાઉન્ટમાંથી 115 કરોડની વસૂલાતની ઓળખ કરી હતી. હવે આ મામલે કોંગ્રેસે ખોટી રીતે વસૂલી કરવાનો આક્ષેપ કરી ફરીયાદ નોંધાવી છે. કોંગ્રેસના વકીલોએ આવકવેરાની કાર્યવાહીનો વિરોધ કરીને આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલમાં ફરિયાદ નોંધાવી છે.
કોંગ્રેસે ફરિયાદમાં શું કહ્યું ?
કોંગ્રેસે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, આવકવેરા વિભાગે બેન્ચ સમક્ષ સુનાવણીના પરિણામોની રાહ જોયા વગર આ કાર્યવાહી કરી છે. આ અગાઉ પણ પાર્ટીના બેંક ખાતામાંથી વસૂલાતની કાર્યવાહી કરાઈ છે.
એપેલેટ ટ્રિબ્યુનલનો આદેશ છતાં વિભાગે કાર્યવાહી કરી
કોંગ્રેસે એવી પણ દલીલ કરી છે કે, આઈટી વિભાગે અગાઉ સ્ટે અરજી કરી હતી અને હજુ સુધી તેનો નિકાલ પણ થયો નથી. જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેણે વસૂલીની રાહ જોવાની જરૂર હતી, પરંતુ તુરંત કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલે કેસની સુનાવણી સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો.