- દક્ષિણ ગુજરાતમાં વીજળી ઠપ, 32 લાખ 37 હજાર ગ્રાહકોની વીજ વિહોણા
- ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજળી બંધ
- ઉકાઈ 4 યુનિટ ટ્રિપ, 500 મેગાવોટ ઉત્પાદન ઘટ્યું
ગેટકો અને LMU તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન (TPS)ની 4 યુનિટ ટ્રિપ થઈ ગઈ છે, જેનાથી 500 મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ તકેદારીના ભાગરૂપે DGVCL હેઠળના વિવિધ સબ-સ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો છે, જે SPS (સિસ્ટમ પ્રોટેક્શન સ્કીમ) ઓપરેટ થવાને કારણે છે.
ઉકાઈ TPSમાં થયેલા ટ્રિપિંગના કારણે વીજ લોડમાં અચાનક વધારો થયો, જેને કારણે સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે SPS ઓપરેટ કરવામાં આવ્યું. SPS ઓપરેટ થવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો શૂન્ય થઈ ગયો છે, પરંતુ આ નિયંત્રિત પગલું છે અને સિસ્ટમને સ્થિરતા આપવા માટે લેવામાં આવ્યું છે.
ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં ટેકનિકલ ફોલ્ટને કારણે 400 કેવી હાઈ વોલ્ટેજ લાઈન ટ્રિપ થઈ ગઈ છે. આના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે, સમસ્યાને તાત્કાલિક ધોરણે ઉકેલવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓની ટીમ દ્વારા ટેકનિકલ ખામીને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.