કુકરમુંડા તાલુકામાં આવેલ ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના મુખ્ય મથક ઈટવાઈ ગામમાં ગામજનો માટે પીવાનું પાણી તેમજ ઘર વપરાશ કે પશુઓને પીવા માટે પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી સરકાર દ્વારા લાખોના ખર્ચે ટ્રાયબલ સબ પ્લાન યોજના અંતર્ગત ગત વર્ષ 2019/2020 માં મીની પાણી યોજના હેઠળ બોરવિથ 5 હજાર લિટરની ક્ષમતાવાળી સિન્ટેક્ષ ટાંકી, પાઇપ લાઈન, નળ કનેકશન સહીતની સુવિધા ઉભી કરવામાં આવેલ છે.

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી પાણી સંગ્રહ કરવાની સિન્ટેક્ષ ટાંકી તૂટી જવાથી આ મીની પાણીની યોજના બંધ હાલતમાં છે. જેના કારણે ગ્રામજનોને પાણીની કઠિન સમસ્યા સહન કરવાનો વારો આવ્યો છે. ગ્રામજનોએ બીજા સ્થળે પાણી ભરવા જવું પડી રહ્યું છે. સરકારની હર ઘર નળ યોજનાનું આ ગામમાં સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારીના ભોગે સ્વપ્ન રોળાયું કહી શકાય.