ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય બનતાં રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી, જોકે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અને જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું.
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉધના, પાંડેસરા, ભટાર અને ડીંડોલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજ વાયરો તૂટતાં વીજ વિક્ષેપ સર્જાયો હતો.
વલસાડમાં પણ તિથલ રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.તાપી જિલ્લાના વ્યારા શહેરમાં રાત્રે તોફાની પવન બાદ સવારથી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી
ભાવનગર શહેરમાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોરબી અને માળિયા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં લોકોને મુશ્કેલી પડી હતી, જોકે વરસાદથી ગરમીમાં નોંધપાત્ર રાહત મળી હતી.
ભરૂચ જિલ્લામાં એક ઈંચ વરસાદ
ભરૂચ અને હાંસોટમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જંબુસર, આમોદ, વાગરા અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો.
.png)


.png)