સુરત અને દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મહત્વ ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેટલીક બેઠકો બિનહરીફ થવાના સંકેતો વચ્ચે હવે વાલોડ અને વ્યારા બેઠક પર સીધી ચૂંટણી જંગ જામવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ભાજપ સમર્થિત ઉમેદવારો સામે ભાજપ સાથે જોડાયેલા અન્ય ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણી વધુ રસપ્રદ બની છે.
પૂર્વ ઉપપ્રમુખ રાજુ પાઠકે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે પૂર્વ જિલ્લા બેંક પ્રમુખ નરેશ પટેલે પણ ઉમેદવારી નોંધાવી રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આ બંને નેતાઓના નિર્ણયથી ચૂંટણીમાં સ્પર્ધા વધુ તીવ્ર બની હોવાનું માનવામાં આવે છે.
સુરત અને તાપી જિલ્લાની ૧૬ બેઠકમાંથી ત્રણ બેઠક પર કોંગ્રેસનો કબજો છે. જેમાં વ્યારા, ઉચ્છલ અને નિઝર બેઠકનો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠક પરથી કોંગ્રેસના સિટિંગ ડિરેક્ટર પૈકી વ્યારામાંથી સિદ્ધર્થ ચૌધરી, નિઝરમાંથી ભરત સુદામ અને ઉચ્છલ બેઠક પરથી સુનિલ ગામીતે ફોર્મ ભરી દીધું છે.
તાપી જિલ્લામાં ઉચ્છલ બેઠક પરથી જાલમસીંગ વસાવા, નિઝર બેઠક પરથી યોગેશ રાજપુત, વ્યારા બેઠક પરથી હસમુખ ગામીત, વાલોડ બેઠક પરથી રાજકુમાર આહીરને મેન્ડેટ આપવામાં આવ્યો છે. એટલે ચાર નવા ચહેરાને સ્થાન મળ્યું છે. ભાજપ મોવડી મંડળે જ્ઞાતિથી માંડીને તમામ સમીકરણોને ધ્યાને રાખીને મેન્ડેટ આપ્યો હતો.

.jpg)

.png)