અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે સાંજે મોટી દુર્ઘટના ટળી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાંજે આશરે 6:30 વાગ્યે એક જ રનવે પર એર ઈન્ડિયા અને ઈન્ડિગોના બે વિમાનો સામસામે આવી જતા ટક્કરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) દ્વારા સમયસર સતર્કતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાને પગલે એરપોર્ટ પર થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ મુંબઈથી અમદાવાદ આવેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2493 લેન્ડિંગ બાદ ટેક્સીંગ દરમિયાન અજાણતામાં ખોટી દિશામાં વળી ગઈ હતી. વિમાન નિર્ધારિત ટેક્સી ટ્રેકથી ભટકી જતાં અન્ય વિમાન સાથે જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે સમયસર સ્થિતિને કાબૂમાં લેવામાં આવતા કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજી એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. ATCની સૂચના બાદ એર ઈન્ડિયાના વિમાનને તરત જ રોકી સુરક્ષિત રીતે પરત પાર્કિંગ બેમાં લઈ જવામાં આવ્યું હતું. સમયસર લેવાયેલા આ પગલાંને કારણે સંભવિત મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

.jpg)

.png)