દક્ષિણ ગુજરાતના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ, ભરુચના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેનો શાબ્દિક જંગ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રુપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ વિવાદમાં હવે કલેક્ટરના કથિત યુ-ટર્ન અને મનસુખ વસાવાની ભાજપ છોડવાની ચીમકીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
75 લાખના તોડનો આરોપ?
મનસુખ વસાવાએ ધડાકો કરતાં જણાવ્યું હતું કે, ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી 75 લાખ રુપિયાની માંગણી કરી હતી. તેમના દાવા મુજબ, ચૈતર વસાવાએ આ વિભાગના અધિકારી પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતી માંગી હતી. માહિતી મળ્યા બાદ, તેમણે અધિકારીને ડરાવી-ધમકાવીને 75 લાખ રુપિયાની માંગણી કરી હતી. મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, ચૈતર વસાવાને ટેવ પડી ગઈ છે કે પહેલા મુદ્દો ઉછાળવાનો અને બાદમાં તોડપાણી કરી લેવાના.
મનસુખ વસાવાના જણાવ્યા અનુસાર, ગભરાયેલા અધિકારીએ આ અંગે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીને ફરિયાદ કરી હતી. સાંસદે દાવો કર્યો કે, કલેક્ટરે મારી અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. અમે અધિકારીને સ્પષ્ટ કહ્યું હતું કે ગભરાવાની જરુર નથી, એક પણ પૈસો કોઈને આપવાનો નથી. જોકે, હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. સાંસદના આક્ષેપો બાદ, બુધવારે ચૈતર વસાવા સીધા જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને સવાલ કર્યો હતો કે શું તેમણે 75 લાખ માગ્યા છે? સૂત્રોના જણાવ્યા મુજબ, કલેક્ટરે સાંસદના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
કલેક્ટરના આ વલણથી મનસુખ વસાવા લાલઘૂમ થયા છે. તેમણે આક્ષેપ કર્યો કે, "આજે કલેક્ટર ચૈતર વસાવા સામે આ વાતની ના પાડે છે, તેનો અર્થ એ છે કે તેઓ તેમની સાથે મળી ગયા છે. હું અધિકારીઓ અને સરકાર માટે ખોટા લોકો સામે લડી રહ્યો છું, પણ કલેક્ટર કે સરકાર એમને બચાવી રહ્યા છે તે મારે જાણવું છે. હું આવા ખોટા લોકોનું નહીં ચલાવી લઉં."
ભાજપ છોડવાની ચીમકી
આ મામલે મનસુખ વસાવાએ આક્રમક વલણ અપનાવતા ચીમકી ઉચ્ચારી છે કે, "જો સરકાર મારી સાથે ન્યાય નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. હું આવતીકાલે નર્મદા જિલ્લા કલેક્ટરને રુબરુ મળીશ અને પૂછીશ કે, તમે અમારી હાજરીમાં તો કહ્યું હતું, પછી કેમ ફરી ગયા?"
મનસુખ વસાવાના નિવેદન બાદ ચૈતર વસાવાએ આક્રોશ ઠાલવ્યો છે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાના દાવાઓને પાયાવિહોણા ગણાવતાં જણાવ્યું હતું કે, ખુદ જિલ્લા કલેક્ટરે આ વાતને નકારી કાઢી છે, છતાં મનસુખ વસાવા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. મનસુખ વસાવાએ જાહેરમાં લોકોની માફી માંગવી જોઈએ અને જો તેઓ આ પ્રકારનો ખોટો વાણી વિલાસ બંધ નહીં કરે તો અમારે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે.
મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવા સામે કાર્યવાહી ન થાય તો ભાજપ છોડી દેવાની ઉચ્ચારાયેલી ચીમકી પર વળતો પ્રહાર કરતાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, "મનસુખ વસાવા કાલે ભાજપ છોડતા હોય તો આજે છોડે, તેનાથી અમને કોઈ જ ફેર પડતો નથી. મનસુખ વસાવા વારંવાર રાજીનામા આપવાના આવા 'સ્ટંટ' કરતા રહે છે. સરકારને મજબૂર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારી સામે કાર્યવાહી કરો નહીં તો હું પાર્ટી છોડી દઈશ.
નોંધનીય છે કે, ચૈતર વસાવાએ તાજેતરમાં વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં આ આરોપ-પ્રતિઆરોપનો દોર શરુ થયો છે.


