વ્યારા તાલુકાના મોજે ઈન્દુગામ સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના હોસ્ટેલમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિનીનું અચાનક મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાને લઈને કાકરાપાર પોલીસ સ્ટેશનમાં અક્સમાત મોતની નોંધ કરવામાં આવી છે.
જેતવાડી ગામના આંબા ફળીયુ, તા.વ્યારા જી.તાપીની રહેવાસી સેજલબેન રાકેશભાઈ ગામીત હાલ ઈન્દુગામ એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં રહી ધોરણ 11 માં અભ્યાસ કરતી હતી. તા.29/12/2025ના રોજ સવારે આશરે 08:10 વાગ્યે હોસ્ટેલમાં નાસ્તા માટે વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભા રહેવા જણાવવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન સેજલબેન અચાનક કોઈ કારણસર ઢળી પડી હતી.
ઘટનાને પગલે સ્કૂલના સ્ટાફ દ્વારા તાત્કાલિક રીતે ખાનગી વાહનમાં સેજલબેનને સરકારી હોસ્પિટલ, વ્યારા ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં ભારે આઘાત ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં કાકરાપાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. PSI ડી.ડી.રાવલની હાજરીમાં જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
.png)
.png)
