ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું ગાઝાનો ફાઈનલ વૉર પ્લાન તૈયાર કરી લીધો છે, શું ઈઝરાયલ ગાઝા પર સંપૂર્ણ કબજો કરી લેશે, આખરે ટ્રમ્પ અને ઈઝરાયલ ગાઝામાં શું કરવા ઈચ્છે છે... આ તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે બંને નેતાઓ ફ્લોરિડામાં 7 એપ્રિલે મુલાકાત કરશે. ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે વ્હાઈટ હાઉસમાં બેઠક યોજાશે. આ દરમિયાન તેઓ ગાઝા સહિતના મુદ્દાઓ પર વાતચીત કરશે.
ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે વ્હાઈટ હાઉસમાં બેઠક યોજાશે
વ્હાઈટ હાઉસના એક અધિકારી અને નેતન્યાહૂના કાર્યાલયે બંને નેતાઓની મુલાકાત અંગે પુષ્ટી કરી છે. બંને તરફથી કહેવાયું છે કે, ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે 7મી એપ્રિલે વ્હાઈટ હાઉસમાં બેઠક યોજાશે. ઈઝરાયલ હમાસના બળવાખોરો પર દબાણ વધારવા માટે ગાઝા પટ્ટીમાં સેનાઓ તહેનાત કરી રહી છે, ત્યારે બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વની છે.
ઈઝરાયલે કરેલા સંઘર્ષ વિરામને અમેરિકાનું સમર્થન
ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘ઈઝરાયલ ગાઝાના એક મોટા વિસ્તાર પર કબજો કરી લેશે અને તે વિસ્તારને પોતાનામાં સામેલ કરી લેશે. ઈઝરાયલે ગયા મહિને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને અચાનક ગાઝા પર બોંબમારો કરી દીધો હતો, જેનું વ્હાઈટ હાઉસે સમર્થન કર્યું હતું.
ઈઝરાયલ ગાઝા પર કરશે કબજો
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંકલ્પ લીધો છે કે, હમાસે 7 ઓક્ટોબર-2023ના રોજ હુમલો કર્યો હતો, તેણે અમારા લોકોને બંધક બનાવ્યા છે. જ્યાં સુધી હમાસ બંધકોને છોડશે નહીં, હથિયારો હેઠા નહીં મુકે અને ગાઝા ક્ષેત્રમાંથી બહાર નહીં નીકળે, ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે.
ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે આ મુદ્દાઓ પર થશે ચર્ચા
નેતન્યાહૂના કાર્યાલયે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, ‘બંને નેતાઓ વચ્ચે ફ્લોરિડામાં યોજાનાર બેઠકમાં ટેરિફ મુદ્દે, ઈઝરાયલના બંધકોને પાછા લાવવાના પ્રયાસ, ઈઝરાયલ-તુર્કેઈ સંબંધો, ઈરાનથી ખતરો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. બીજીતરફ ઈઝરાયલ અને હમાસ વચ્ચે હજુ પણ હુમલા ચાલુ છે. ઈઝરાયલી સેના ગાઝા પર કબજો કરવાના ઈરાદે ત્યાં ઘૂસી ગઈ છે.