રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરપર્સન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ રવિવારે તેમની 170 કિલોમીટરની દ્વારકા પદયાત્રા પૂર્ણ કરી હતી. અનંત વહેલી સવારે ભગવાન દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા.
તેમની પદયાત્રાના સમાપન પર અનંત અંબાણીએ ભગવાન દ્વારકાધીશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ‘આ મારી પોતાની આધ્યાત્મિક યાત્રા છે. મેં ભગવાનનું નામ લઈને તેની શરૂઆત કરી હતી અને તેમનું નામ લઈને જ સમાપ્ત કરી. હું ભગવાન દ્વારકાધીશને ધન્યવાદ કહેવા માંગુ છે.
અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, "રામનવમીના પાવન પર્વ પર મને ભગવાનના દર્શન કરવાનો મોકો મળ્યો છે. હું ગુજરાતનો જ છું અને જામનગરવાસી છું અને લોકોને આટલો બધો પ્રેમ આપવા બદલ તેમનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છે.
અનંત અંબાણીનો જન્મદિવસ 10મી એપ્રિલે છે. અનંત તેમનો 30મો જન્મદિવસ દ્વારકામાં જ ઉજવશે. અનંત અંબાણીએ 28 માર્ચે જામનગરના મોટી ખાવડીથી પોતાની પદયાત્રા શરૂ કરી હતી. ટ્રાફિક અને સુરક્ષાના કારણે લોકોને મુશ્કેલીમાંથી બચાવવા માટે અનંત મોટાભાગે રાત્રે જ પદયાત્રા કરતા હતા.
પદયાત્રાના અંતિમ દિવસે અનંત અંબાણી સાથે તેમના પત્ની રાધિકા મર્ચન્ટ અને માતા નીતા અંબાણી પણ જોડાયા હતા.
- એક માતા માટે ખૂબ જ ગર્વની વાત -નીતા અંબાણી
નીતા અંબાણીએ પોતાના પુત્ર અનંતની આ આધ્યાત્મિક યાત્રા પર કહ્યું, 'એક માતા માટે આ ખૂબ જ ગર્વની વાત છે. મારો પુત્ર અનંત દ્વારકાધીશના આ પવિત્ર સ્થળની યાત્રા પૂર્ણ કરવામાં સફળ રહ્યો હતો.
અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં અનંત અંબાણીએ પોતાની પદયાત્રા પૂરી કરી હતી. તેમને કુશિંગ સિન્ડ્રોમ(Cushing's Syndrome , સ્થૂળતા, અસ્થમા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ છે. યાત્રા દરમિયાન તેમણે હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને દેવી સ્તોત્રનો પણ જાપ કર્યો હતો.
- બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ પદયાત્રા સામેલ થયા હતા
મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત રિફાઇનરી અને નવા ઊર્જા વ્યવસાયો સહિત RILના મૈન્યુફેક્ચરિંગ વિભાગના પ્રમુખ છે. તેમની પદાયાત્રામાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ સામેલ થયા હતા. તેમની ભક્તિ અને સમર્પણથી પ્રભાવિત થઈને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે અનંત તેમની પદયાત્રા દરમિયાન માત્ર નારિયેળ પાણી પર નિર્ભર છે. તેમણે અનંત અંબાણીને પ્રેરણાસ્ત્રોત ગણાવતા આજના યુવાનોને સનાતન ધર્મ માટે પોતાને સમર્પિત કરવાની સલાહ આપી હતી.