ભારતી એરટેલે ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સર્વિસને ઝડપી બનાવવા SpaceX સાથે કરાર કર્યા છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં ભારતી એરટેલે આ અંગે માહિતી આપી હતી.
ભારતી એરટેલે 11 માર્ચ, 2025ના રોજ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેણે SpaceX સાથે એક કરાર કર્યો છે. જે હેઠળ સ્ટારલિંકની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ ભારતના એરટેલ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવશે. આ ભાગીદારીના માધ્યમથી અંતરિયાળ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી વંચિત વિસ્તારોમાં વિશ્વસનીય બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવાનું લક્ષ્ય છે. આ કરાર ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરવા અને ગ્રાહકોને એડવાન્સ ઇન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્ત્વનો છે.
આ ભાગીદારી હેઠળ, SpaceXની સ્ટારલિંક એરટેલની હાલની સેવાઓના વિસ્તરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. SpaceX ભારતીય બજારમાં એરટેલના નિષ્ણાતો, ગ્રાહકો અને બિઝનેસ માટે સીધી સેવાઓનો લાભ આપશે. એરટેલ અને SpaceXના કરાર હેઠળ એરટેલના રિટેલ સ્ટોર્સમાં સ્ટારલિંક ટૂલ્સની ઉપલબ્ધતા, બિઝનેસ ગ્રાહકો માટે સ્ટારલિંક સર્વિસની રજૂઆત, ગ્રામીણ ક્ષેત્રોમાં કોમ્યુનિટી, શાળાઓ અને સ્વાસ્થ્ય કેન્દ્રોને જોડવાની તકો શોધશે. તદુપરાંત બંને કંપનીઓ કેવી રીતે એકબીજાના નેટવર્ક વિસ્તરણમાં યોગદાન આપી શકે છે તેની તકો શોધશે. સ્પેસએક્સ ભારતમાં એરટેલના ગ્રાઉન્ડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષમતાઓનો લાભ ઉઠાવવા સજ્જ છે.
એરટેલની દેશમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી મજબૂત બનશે
ભારતી એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલે 21 ફેબ્રુઆરીએ માહિતી આપી હતી કે, તેમની કંપની પાસે ભારતમાં સેટેલાઇટ કનેક્ટિવિટીને વેગ આપવાની ક્ષમતા છે. સરકારે લાંબા સમયથી પેન્ડિંગ અરજીને મંજૂર કરતાં તુરંત સેવાઓ શરુ કરશે. સ્ટારલિંક એન્ટરપ્રાઇઝ સાથે એરટેલ હવે ઇન્ડસ્ટ્રી, બિઝનેસ અને કોમ્યુનિટીને વ્યાપક અને સતત ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરી શકશે.