પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચી ગયા છે. જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાંના તમામ 34 મંત્રીઓ તેમનું ઉષ્માપુર્વક સ્વાગત કર્યુ હતું. આપને જણાવી દઈએ કે, પીએમ મોદી મોડી રાત્રે મોરેશિયસ પ્રવાસ માટે રવાના થયા હતા.
મોરેશિયસ રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે, આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં 'નવા અને ઉજ્જવળ' અધ્યાયની શરૂઆત કરશે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આ મુલાકાત ફળદાયી નિવડશે અને ભારત અને મોરેશિયસના સંબંધો વધુ મજબૂત થશે.
તેઓ મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામના આમંત્રણ પર 11 અને 12 માર્ચે મોરેશિયસની મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ ત્યાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. મોરેશિયસના નાયબ વિદેશ મંત્રી નરસિંહને કહ્યું કે તમામ 34 મંત્રીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું અને તેનાથી બંને દેશો વચ્ચેના 'શ્રેષ્ઠ' સંબંધો મજબૂત થશે.
PM મોદીએ વધુમાં કહ્યું કે તેઓ 'તમામ પાસાઓમાં અમારી ભાગીદારીને વધારવા અને અમારા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે અમારી કાયમી મિત્રતાને મજબૂત કરવા' મોરેશિયસના નેતૃત્વ સાથે કામ કરવા આતુર છે. વડાપ્રધાને કહ્યું કે મોરેશિયસ નજીકનો દરિયાઈ પડોશી છે, હિંદ મહાસાગરમાં મુખ્ય ભાગીદાર છે અને આફ્રિકન મહાદ્વીપનું પ્રવેશદ્વાર છે. આપણે ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા જોડાયેલા છીએ. તેમણે કહ્યું કે ઊંડો પરસ્પર વિશ્વાસ, લોકશાહીના મૂલ્યોમાં સહિયારો વિશ્વાસ અને આપણી વિવિધતાની ઉજવણી એ આપણી શક્તિઓ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને પક્ષો વચ્ચેના ગાઢ અને ઐતિહાસિક સંબંધો સહિયારા ગૌરવનું સ્ત્રોત છે.
PM મોદીની સાથે ભારતીય સશસ્ત્ર દળોની ટુકડી, ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ અને ભારતીય વાયુસેનાની આકાશ ગંગા સ્કાયડાઇવિંગ ટીમ પણ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેશે. બંને દેશો વચ્ચેના સંબંધો વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં બંને પક્ષો વચ્ચે લોકો-કેન્દ્રિત પહેલ સાથે 'નોંધપાત્ર પ્રગતિ' થઈ છે. તેમણે કહ્યું કે હું તમામ પાસાઓમાં અમારી ભાગીદારીને વધારવા અને અમારી જનતાની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણી કાયમી મિત્રતાને મજબૂત કરવા માટે મોરેશિયસના નેતૃત્વ સાથે કામ કરવા આતુર છું. જ્યારે હું હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસને મજબૂત કરવાની તકની રાહ જોઈ રહ્યો છું, જે અમારા વિઝન સાગરનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે, અહીં સાગરનો અર્થ એ છે કે પ્રદેશમાં દરેક માટે સુરક્ષા અને વિકાસ.