દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાંચ વર્ષ જૂના 2019ના કેસમાં ઝટકો આપ્યો છે. કોર્ટે દ્વારકામાં હોર્ડિગ લગાવવા માટે કથિત જાહેર ભંડોળનો દુરુપયોગ કરવાના કેસમાં તેમની અને પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ FIR નોંધવા આદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ હોળી બાદ એફઆઇઆર નોંધવામાં આવી શકે છે.
હોર્ડિંગ લગાવવા જાહેર નાણાંનો દુરુપયોગનો મામલો
વાસ્તવમાં વર્ષ 2019માં દ્વારકામાં મોટા હોર્ડિંગ લગાવવા માટે જાહેર નાણાંનો દુરુપયોગ કરવા મામલે કોર્ટમાં અરજી કરાઈ હતી. અરજીમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની માંગ કરાઈ, જેમાં કોર્ટે અરજી પર સુનાવણી હાથ ધરી એફઆઇઆર નોંધવા આદેશ કર્યો છે. કોર્ટે આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે, કેજરીવાલ અને પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ સરકારી ધનનો દુરુપયોગ કરવાનો મામલો બને છે.
પોલીસને કમ્પલેઇન રિપોર્ટ દાખલ કરવા આદેશ
કોર્ટે આદેશ સંભાળવતી વખતે કહ્યું કે, ‘અરજદારે દાખલ કરેલી અરજી 156(3) CRPC હેઠળ મંજૂર કરવામાં આવે છે. આ કેસમાં કોર્ટે દ્વારકા સાઉથ પોલીસને એફઆઇઆર નોંધવા તેમજ 18 માર્ચ સુધીમાં SHOને કમ્પલેઇન રિપોર્ટ દાખલ કરવા આદેશ આપ્યો છે.
મામલો શું છે?
વાસ્તવમાં વર્ષ 2019માં કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં આક્ષેપ કરાયો છે કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ગુલાબ સિંહ અને દ્વારકાના કોર્પોરેટર નિતિકા શર્માએ વિસ્તારમાં વિવિધ સ્થળો પર મોટા હોર્ડિંગ લગાવવા માટે જાણીજોઈને જાહેર નાણાંનો દુરુપયોગ કર્યો છે. ત્યારબાદ સપ્ટેમ્બર-2022માં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ફરિયાદ રદ કરતો હુકમ કર્યો, પછી સત્ર ન્યાયાધીશે કેસને મેજિસ્ટ્રેટ કોર્ટમાં પરત મોકલ્યો. ત્યારબાદ મેજિસ્ટ્રેટ કોર્ટે નવેસરથી સુનાવણી કરી આ આદેશ આપ્યો છે.