અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર ફી વધારા મામલે વિવાદમાં આવી છે. યુનિવર્સિટી દ્વારા BCom, B.A, BCA, BBA અને PhDના અભ્યાસક્રમોમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફી વધારો કર્યો છે. જેના વિરોધમાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. NSUIના કાર્યકરોએ કુલપતિના ઘરનો ઘેરાવ કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પર કરવાામાં આવેલો હજારો રૂપિયાનો ફી વધારો પરત ન લેતા NSUI દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. એક સપ્તાહ પહેલા પણ NSUI ના કાર્યકરો દ્વારા VCને ફી વધારો પરત લેવા અંગે અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતુ. જે બાદ આજે ફરી વિદ્યાર્થીઓના માથે ઝીંકાયેલા ફી વધારાને પરત લેવાની માગ સાથે NSUIના કાર્યકરોએ કુલપતિના નિવાસસ્થાનને ઘેરવાનો પ્રયત્ન કર્યો. અત્યંત ઉગ્ર પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા. આ તરફ પોલીસે દેખાવ કરી રહેલા તમામ કાર્યકરોને ટીંગોટોળી કરી બહાર લઈ જઈ અટકાયત કરી હતી.
કેટલો કરાયો છે ફી વધારો?
ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં જે જૂજ યુનિવર્સિટીઓ બચી છે તેમા ગુજરાત યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે, અહીં આસપાસના ગામો, નગરોમાંથી અનેક ગરીબ- મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. હવે યુનિવર્સિટી દ્વારા ફી વધારો કરાતા ગરીબ વિદ્યાર્થીઓની સ્થિત અત્યંત કફોડી બની ગઈ છે. કારણ કે નવા સત્રથી BCom, B.Aમાં પ્રતિ સેમેસ્ટર 1750 થી 4500 સુધીનો વધારો, PHDમાં પ્રતિ વર્ષ 9 હજારનો વધારો અને BCAમાં પ્રતિ વર્ષ 4 હજારનો વધારો કરાયો છે.
NSUI દ્વારા જોરશોરથી આ ફી વધારાનો વિરોધ કરાઈ રહ્યો છે અને માગ કરાઈ છે કે કોઈપણ ભોગે તેઓ આ ફી વધારો પરત ખેંચાવીને જ રહેશે, જો આવુ નહીં થાય તો પ્રદર્શનની આગ વધુ વિકરાળ બનશે. ત્યારે સવાલ એ છે કે શું ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ફી વધારો પરત લેવામાં આવશે?