હજુ તો ઉનાળાની ઋતુનો પ્રારંભ જ થયો છે ત્યાં, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધુ ગરમી નોંધાઈ છે. 10મી માર્ચને સોમવારના રોજ, ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસરતા, અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાત આગામી 3 દિવસ અગનભઠ્ઠીમાં શેકાશે. જો કે નવુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર પામતા, મહત્તમ તાપમાનનો પારો આંશિક ગગડશે. પરંતુ હાલમાં આગામી 2 દિવસ તો ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ જિલ્લાને ગરમીમાંથી રાહત મળતાની કોઈ સંભાવના નથી.
આજે 10મી માર્ચને સોમવારના રોજ, ગુજરાતમાં સૌથી વધુ ગરમીનું પ્રમાણ દાહોદ જિલ્લામાં નોંધાયું હતું. દાહોદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઈ ગયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનુ પ્રમાણ 40 ડિગ્રીને પાર થયું છે. સૌથી આશ્ચર્યની વાત એ કહી શકાય કે, દરિયાકાંઠો ધરાવતા સુરતમાં તાપમાનનો પારો 41.8 ડિગ્રીએ અટક્યો છે. સુરતમાં એકાએક ગરમી વધવાનું કારણ, દરિયા પરથી ફુંકાઈ રહેલ ગરમ અને ભેજયુક્ત હવાને જવાબદાર ગણવામાં આવી રહી છે.