- આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુન ચાલુ કરવા આંદોલન
- ઉમેદવારોનો આક્ષેપ "પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે."
- મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજ ના 50,000 કરતાં પણ વધુ બાળકો શિષ્યવૃત્તિ થી વંચિત રહી શકે છે.
ગાંધીનગર વિધાનસભા બહાર ગેટ નંબર 1 ઉપર આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુન ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોને પોલીસે અટકાયત શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તો તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં.
આ વિષયે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024 નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કર્યો હતો કે જે વિદ્યાર્થી વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે છે, તો તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે.
આ મુદ્દે ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજ ના 50,000 કરતાં પણ વધુ બાળકો શિષ્યવૃત્તિ થી વંચિત રહી શકે છે.
ઉમેદવારોના જણાવ્યા અનુસાર આ પરિપત્રની અગાઉ જ જે સંસ્થાઓએ વેકેન્ટ ક્વોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે, જેમા કે ડિપ્લોમા, ડીગ્રી, ફાર્મસી, નર્સિંગ આ બધા વિદ્યાર્થીઓ જેને વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ મળ્યો છે, તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે. જેને કારણે અનુસૂચિત જનજાતિની ગુજરાતમાં અલગ-અલગ કચેરીઓ દ્વારા વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ પણ આપી દીધો છે.
એટલું જ નહી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે, તો હવે આ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત કઈ રીતે રહી શકે? એટલે રાજ્ય સરકારનો આ જે અણધડ નિર્ણય છે તે તાત્કાલીક પાછો ખેંચવો જોઈએ.
- વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો શિષ્યવૃત્તિનો મુદ્દો
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં આદિવાસી સમાજની બંધ કરવામાં આવેલી સ્કોલરશીપ મુદ્દે હંગામો થયો હતો. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. આ ધારાસભ્યો વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી સુત્રોચાર ચાલુ કર્યા હતા અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.
આદિવાસી સમાજના વિધાર્થીઓની સ્કોલરશીપ મુદ્દે ધારાસભ્ય ડૉ તુષાર ચૌધરીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી. આ સ્કોલરશીપ મેનેજમેન્ટ ક્વોટામાં આપવામાં આવતી હતી જે હવે રાજ્ય સરકાર દ્વારા એક ઠરાવ કરીને બંધ કરી દીધી છે. આ યોજના મુદ્દે પ્રશ્ન પૂછ્યો તો સરકારે જવાબ ન આપ્યો અને વાર્તા કરી. અમારી માંગ હતી કે જવાબ આપો કે યોજના ફરી ચાલુ કરવા માંગો છો કે નહીં.