- ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં ફરી એકવાર ભારતનો ઉલ્લેખ કર્યો.
- કેનેડા, મેક્સિકો અને ભારત તથા દક્ષિણ કોરિયા અમેરિકા પાસેથી ભારે ટેરિફ વસૂલી રહ્યા હતા. જેના પર અમે કાર્યવાહી કરી છે.
- અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સૌથી લાંબુ ભાષણ આપીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
અમેરિકન પ્રમુખ બન્યાના બીજા કાર્યકાળ બાદ આજે પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ કોંગ્રેસને સંબોધવા પહોંચ્યા હતા. સંબોધન પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબંધોનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ રહેવાની છે. એવી ચર્ચા છે કે તેઓ ટેરિફ વૉરથી માંડીને યુક્રેન યુદ્ધ અને ભારત પર ટેરિફ સહિતના અનેક મહત્ત્વના મુદ્દાઓ પર તેમણે મોટી જાહેરાત કરી. આ સાથે તેમણે અમેરિકન ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ પણ આપ્યું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અમારી પાસેથી 100%થી વધુ ટેરિફ વસૂલે છે અને હવે અમે આગામી મહિનેથી આવું જ કરીશું. આ ઉપરાંત ટ્રમ્પે પાકિસ્તાનને આભાર વ્યક્ત કર્યો. ટ્રમ્પે કહ્યું કે 2021માં અફઘાનિસ્તાનમાં આતંકીઓએ 13 અમેરિકન સૈનિકોની હત્યા કરી હતી. તેમને પકડવામાં પાકિસ્તાનની સરકારે જ અમારી મદદ કરી હતી.
યુક્રેન યુદ્ધ અને પનામા નહેર તથા ગ્રીનલેન્ડ પર કબજા વિશે શું બોલ્યા ટ્રમ્પ..?
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું કે અમે યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા એટલા માટે તેનો અંત લાવવાની જરૂર છે. ટ્રમ્પે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીના પત્રના વખાણ કરતા કહ્યું કે મને ઝેલેન્સ્કીનો પત્ર ગમ્યો. અમારી રશિયા સાથે ગંભીર વાતચીત થઈ છે. ટ્રમ્પે કહ્યું કે અમને મોસ્કો તરફથી પણ મજબૂત સંકેતો મળ્યા છે. રશિયા શાંતિ માટે તૈયાર છે. તેમણે સંસદમાં હાજર લોકોને પૂછ્યું, 'શું આ સારી વાત નથી?' હવે આ યુદ્ધનો અંત આણવો જરૂરી છે.
પનામા અને ગ્રીનલેન્ડને ધમકી
અમારી સરકાર પનામા નહેર પર કબજો કરી લેશે. આ સાથે અમે ગ્રીનલેન્ડના લોકોના અધિકારોનું સન્માન કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ગ્રીનલેન્ડ અમેરિકાનો હિસ્સો બને. અમે ગ્રીનલેન્ડને સમૃદ્ધ બનાવીશું. જો તમે અમેરિકાનો હિસ્સો નહીં બનો તો અમે કોઈને કોઈ રીતે આવું કરી જ લઈશું. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે અમે તમને સુરક્ષિત રાખીશું.
અમેરિકાની સંસદમાં સૌથી લાંબુ ભાષણ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સૌથી લાંબુ ભાષણ આપીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉ અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને 1 કલાક અને 5 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું અને ટ્રમ્પને તેના કરતા વધારે સમય થઇ ગયો છે અને હજુ ભાષણ ચાલુ છે.
કોઈ પોલીસ અધિકારીની હત્યા કરી તો મૃત્યુદંડ કરીશું : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદને સંબોધતા કહ્યું કે જલદી જ અમે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાના છીએ જેના પછી પોલીસ અધિકારીની કોઈ હત્યા કરી દેશે તો તેને તાત્કાલિક મૃત્યુદંડ આપવામાં આવશે.
ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિશે મોટું નિવેદન
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિશે કહ્યું કે અમારે અમેરિકાને તેમનાથી મુક્તિ અપાવવી છે. અમારા દેશના અમુક ભાગો પર આ લોકોએ કબજો જમાવી લીધો છે. અમે તેમને દેશમાંથી શોધી શોધીને તગેડી મૂકીશું.
અમેરિકન સુપ્રીમ કોર્ટના કર્યા વખાણ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "અમે માનીએ છીએ કે તમે ડોક્ટર, એકાઉન્ટન્ટ, વકીલ અથવા એર ટ્રાફિક કંટ્રોલર હોવ, તમારી નિમણૂક જાતિ કે લિંગના આધારે નહીં પરંતુ કુશળતા અને ક્ષમતાઓના આધારે થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એક બોલ્ડ અને ખૂબ જ શક્તિશાળી નિર્ણયમાં અમને તે કરવાની મંજૂરી આપી છે."
અમેરિકાને ફરી ગ્રેટ બનાવવો છે
ટ્રમ્પે કહ્યું કે 1 એપ્રિલના દિવસે 'એપ્રિલ ફૂલ' હોવાને કારણે અમે 2 એપ્રિલથી આ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે આ ટેરિફ અમેરિકાને ફરી મહાન બનાવવા માટે લાગુ કરાયો છે.
અમેરિકાને ફરી એફોર્ડેબલ બનાવવાનો સમય : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ફરી એકવાર બોલ્ડ નિર્ણય કરવા જઈ રહ્યા છીએ. આ સમય મોટા સપના જોવાનો છે. અમે અમેરિકાને ફરી એકવાર એફોર્ડેબલ બનાવવા જઈ રહ્યા છીએ. અમે બહુ ઝડપથી મહત્ત્વના મુદ્દા થાળે પાડી દઈશું.
ગ્રીન કાર્ડ કરતાં ગોલ્ડ કાર્ડ સારો : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં કહ્યું કે અમારા દ્વારા ગોલ્ડ કાર્ડની સ્કીમ લાવવામાં આવી છે. અમે 5 મિલિયન ગોલ્ડ કાર્ડ ઈશ્યૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તેનાથી અમેરિકાને મોટો ફાયદો થશે અને મહેનતું લોકો આખી દુનિયામાંથી અમેરિકા તરફ આકર્ષાશે. તેમના માટે અમેરિકાની નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થઈ જશે. આ એક રીતે ગ્રીન કાર્ડ છે પણ તેમાં વધારે સુવિધાઓ રહેશે.
ટ્રમ્પની મોટી જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ કહ્યું કે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાદીશું. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ કેનેડા, ચીન અને મેક્સિકો જેવા દેશો પર પહેલાથી જ 25 ટકા જેટલા ટેરિફની જાહેરાત કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે હવે ભારતને પણ મોટો ફટકો પડવાની તૈયારી છે. ભારત વિશે ટ્રમ્પે કહ્યું કે તે અમારા પર વધારે ટેક્સ અને ટેરિફ લગાવે છે જે અયોગ્ય છે. ભાષણમાં બે વખત ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે જાહેરાત કરી દીધી કે આગામી 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે. ભારત સહિત કેનેડા, મેક્સિકો, ચીન પર આ રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ભારતનો કર્યો ઉલ્લેખ
ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં ફરી એકવાર ભારતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કેનેડા, મેક્સિકો અને ભારત તથા દક્ષિણ કોરિયા અમેરિકા પાસેથી ભારે ટેરિફ વસૂલી રહ્યા હતા. જેના પર અમે કાર્યવાહી કરી છે.
ટ્રમ્પે અમેરિકાથી સહાય મેળવતા દેશોની ચિંતા વધારી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરતાં કહ્યું કે અમારાથી જે જે લોકો આજ સુધી પૈસા લેતા આવ્યા છે તેમનાથી હવે વસૂલી કરવાનો ટાઈમ આવી ગયો છે. અમે એ પૈસા વસૂલ કરીશું અને અમેરિકામાં મોંઘવારીને કાબૂમાં લાવીશું. અત્યાર સુધી હું બાઈડેનની ખરાબ નીતિઓની અસરથી દેશને બહાર લાવવા પ્રયાસ કરી રહ્યો હતો.
WHO ભ્રષ્ટ અને UN ના માનવાધિકાર પંચ અમેરિકાવિરોધી : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં પ્રમુખ બનતાની સાથે જ અનેક મોટા નિર્ણયો લીધા. સંઘીય ભરતી, નવી ફેડરલ પોલિસી અને અમેરિકાની નુકસાનકારક વિદેશી નીતિઓ રદ કરી નાખી. ગ્રીન ન્યૂ સ્કેમ મુર્ખામીભર્યો હતો અને મેં તેનો અંત લાવ્યો. અમેરિકા માટે પેરિસ ક્લાઈમેટ કરાર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ને અમેરિકા વિરોધી સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પંચમાંથી હાથ પાછા ખેંચી લીધા. તેમણે કહ્યું કે અમે જૂની સરકારો દ્વારા લાવવામાં આવેલા ઈવી વાહનોને લગતા નિયમ રદ કરી દીધા છે.