પોતાની માંગણીઓને લઈને વિરોધ કરી રહેલા ખેડૂતો તેમના દિલ્હી ચલો આંદોલન હેઠળ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ કૂચ ફરી શરૂ કરવા માટે તૈયાર છે. ત્યારે રાજ્યની સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આંતરરાજ્ય સરહદેથી 'દિલ્હી ચલો' આંદોલન શરૂ થવાની શક્યતા વચ્ચે હરિયાણા પોલીસે પંજાબ વહીવટી તંત્રને ખેડૂતોના બુલડોઝર જપ્ત કરવા કહ્યું હતું.

પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાનૂની ગેરંટી અંગે કેન્દ્ર સાથે થયેલી ચાર રાઉન્ડની ચર્ચા નિષ્ફળ રહ્યા બાદ હવે ખેડૂતો પંજાબ-હરિયાણા સરહદ પરથી દિલ્હી ચલો આંદોલન શરૂ કરવા માટે તૈયાર છે. જોકે ખેડૂતો હજુ પણ રાષ્ટ્રીય રાજધાનીથી 200 કિમી દૂર છે. બોર્ડર પર ભારે બેરિકેડેડ એન્ટ્રી પોઈન્ટનો ભંગ ન થાય તેની ખાતરી કરવા માટે દિલ્હી પોલીસે કવાયત હાથ ધરી હતી.
કેન્દ્ર સરકારનો અંદાજ છે કે લગભગ 14,000 લોકો પંજાબ-હરિયાણા સરહદે 1,200 ટ્રેક્ટર-ટ્રોલી, 300 કાર, 10 મિની-બસ તેમજ નાના વાહનો સાથે એકઠા થયા છે. તેના માટે પંજાબ સરકાર પર સખત વાંધો વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ ચિંતાનો વિષય છે. ઉપરાંત કેન્દ્રએ કાયદો તોડનારાઓ સામે કડક પગલાં લેવા જણાવ્યું છે.
બુલડોઝર જપ્ત કરવાની સૂચના :
13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ શરુ કરનાર હજારો ખેડૂતોને હરિયાણા સરહદ પર જ અટકાવવામાં આવ્યા હતા. જ્યાં સુરક્ષા કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ત્યારથી ખેડૂતોએ પંજાબ અને હરિયાણા સાથેની સરહદ પર શંભુ અને ખનૌરી પોઈન્ટ પર ધામા નાખ્યા છે. હરિયાણા પોલીસે તેના પંજાબના સમકક્ષોને બુલડોઝર અને અન્ય વાહનો જપ્ત કરવા કહ્યું હતું. હરિયાણા પોલીસના અનુસાર વિરોધ કરી રહેલા ખેડૂતો તેનો ઉપયોગ બેરિકેડ તોડવા કરી શકે છે.