- 2024ની લોકસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ કરી રહ્યા છે ચૈતર વસાવા
- ચૈતર વસાવાની જ જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો
- મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
2024ની લોકસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ કરી રહ્યા છે અને ભરૂચએ આદિવાસીઓનો ગઢ કહેવામાં આવે છે. અને ચૈતર વસાવાએ યુવા આદિવાસી ચહેરા તરીકે લોકોમાં ખુબ જાણીતા છે. થોડા દિવસ પહેલા જ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે અને આજે તેમણે મનસુખ વસાવાના ગઢમાં સભામાં હાજરી આપી હતી.
ચૈતર વસાવા જેલની બહાર આવતા જ તેમને લોકસભાની ચુંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે, આજે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આમ આદમી પાર્ટીની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા. જેમાં સંગઠનને કેવી રીતે વધુ મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી. આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઝઘડીયા, વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓએ ગામે ગામ જઈ વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણીમાં સામે કોઈપણ ઉમેદવાર હોય પરંતુ ચૈતર વસાવાની જ જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ સભામાં પણ એક જ ચાલે ચૈતર ચાલે ના નારા લાગ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આપ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મંત્રી જયરાજસિંહ રાજ, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.