2022માં ભારત જોડો યાત્રા કર્યા બાદ 2024માં કોંગ્રેસે રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું આયોજન કર્યું. પહેલી યાત્રા દક્ષિણથી ઉત્તર સુધી આયોજિત થઈ હતી, આ યાત્રાનું આયોજન પૂર્વથી પશ્ચિમ સુધી છે. પરંતુ ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં રાહુલ ગાંધી પોતાના ઉટપટાંગ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે, તે સિવાય બીજું કશું જ ફળીભૂત થતું જણાય રહ્યું નથી. એક તરફ લોકોનો જોઈએ તેવો પ્રતિસાદ મળી રહ્યો નથી તો બીજી તરફ એક પછી એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. આ સ્થિતિમાં હવે રાહુલ યાત્રા અધૂરી મૂકીને વિદેશ પ્રવાસ જવાના મૂડમાં છે. તેઓ 10 દિવસ ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. પરત આવ્યા બાદ યાત્રા આગળ ધપાવશે.
ભારત જોડો ન્યાય યાત્રાને અધૂરી મૂકીને વિદેશ પ્રવાસ કરવા જઈ રહ્યા છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રાને અધૂરી મૂકીને વિદેશ પ્રવાસ કરવા જઈ રહ્યા છે. તેમની ન્યાય યાત્રાને દેશમાં ધારેલો પ્રતિસાદ મળી શક્યો નથી. જેના કારણે તે યાત્રા પણ ફ્લૉપ સાબિત થઈ છે. આ દરમિયાન તેઓ યાત્રાની વચ્ચે જ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવા માટે તૈયાર થયા છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે બુધવારે (21 ફેબ્રુઆરી) આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, દિલ્હીમાં ચૂંટણી સંબંધિત બેઠકોને ધ્યાને લઈને ભારત જોડો ન્યાય યાત્રા 26 ફેબ્રુઆથી 1 માર્ચ સુધી સ્થગિત રાખવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી 10 દિવસીય ઈંગ્લેન્ડ પ્રવાસે જઈ રહ્યા છે. 27-28 ફેબ્રુઆરીએ તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની મુલાકાત લેવાના છે અને ત્યાં તેઓ વ્યાખ્યાન આપવાના છે. સાથે તેમણે એવું પણ કહ્યું કે, 2 માર્ચથી આ યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવશે.