ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉભા રહેલા ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વિપક્ષી પાર્ટીઓ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી તેઓએ ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા. જેથી BJPના ઉભા રહેલા તમામ ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ જાહેર થયા હતા. આ દરમિયાન એક ઉમેદવારે અપક્ષનુ ફોર્મ ભર્યું હતું, પરંતુ સમર્થન ન મળતા ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ગુજરાતમાંથી BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, BJP બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયક અને ડો.જસવંતસિંહ પરમારને રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા. ત્યારે હવે બિન હરીફ જાહેર થતા ગુજરાતમાંથી ત્રણ ઉમેદવારો ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને ડો.જસવંતસિંહ પરમાર વિધાનસભા પહોંચ્યા હતા. જયારે BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાલ દિલ્હીમાં છે. BJPના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા હવે રાજ્યસભામાં ગુજરાત ભાજપનું પ્રતિનિધિત્વ વધશે.
આ ચારેય ઉમેદવારોએ 15 ફેબ્રુઆરી, 2024ના રોજ BJP તરફથી નામાંકન પત્ર ભર્યું હતું. 20 ફેબ્રુઆરીએ ઉમેદવારી પછી ખેચવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ નોંધનીય છે કે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી તેને ઉમેદવારો ઉતાર્યા ન હતા. જેથી BJPના ઉમેદવારો બિનહરીફ જીતવાના છે એ નક્કી થઇ ગયુ હતું.