છેલ્લા કેટલાક સમયથી તાપી જિલ્લા સહિત રાજ્યના પ્રજાજનોને 'વ્યારાની સરકારી હોસ્પિટલના અપગ્રેડ કરવાના મુદ્દે' ખાનગી કરણના નામે ગુમરાહ કરવાની ચાલી રહેલી પ્રવૃત્તિઓને કારણે પ્રજાજનોમાં પ્રવર્તતિ અસમંજસની સ્થિતિ વચ્ચે, રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિએ, સાચી, આધારભૂત વિગતો રજૂ કરી, પ્રજાજનોને યેનકેન પ્રકારે ગુમરાહ કરતા લોકોની વાતમાં ન દોરાવવાની અપીલ કરી છે.
ગુજરાત વિધાન સભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ તાપી અને ડાંગ સહિતના આદિજાતિ વિસ્તારના પ્રજાજનોને, હોસ્પિટલનું અપગ્રેડેશન થતા સ્વાસ્થ્યને લગતી ઉત્કૃષ્ટ સેવાઓ સાથે, આદિવાસી પરિવારના બાળકોને તબીબી શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. વ્યારાની હોસ્પિટલના અપગ્રેડેશન સાથે કાર્યરત થનારી મેડિકલ કોલેજનો લાભ આદિવાસી વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ પ્રજાજનોને સરળતાથી ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે,
તાપી જિલ્લાના અંતરીયાળ અને આદિવાસી વિસ્તારને આધુનિક સ્વાસ્થ્ય સુવિધા સરળ રીતે મળી રહેશે. ઉચ્ચકક્ષાના આરોગ્ય વિષયક સાધનો ઉપલબ્ધ થશે. ઓપરેશન થીયેટરોની સંખ્યામાં વધારો થશે. સીટી સ્કેન, એમ.આ .આઇ. જેવા મશીનો ઉપલબ્ધ થશે. જેનાથી દર્દીઓને સારવાર લેવામાં જે દૂર વડોદરા અને સુરત સુધી જવું પડે છે, તે વતનમાં જ ઉપલબ્ધ થશે.
જનરલ હોસ્પિટલની વિસ્તૃત વિગતો ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાની વ્યારા ખાતેની જનરલ હોસ્પિટલ કે જે હોસ્પિટલ હાલમાં 236 પથારીની જિલ્લા કક્ષાની હોસ્પિટલ છે. આ હોસ્પિટલ ખાતે હાલમાં મર્યાદીત તબીબી સેવાઓ ઉપલબ્ધ છે. સરકાર દ્વારા વ્યારા, જિ.તાપી ખાતે આરોગ્ય નિતી-2016 અંતર્ગત સ્વનિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજ બનાવવાનું ઠરાવેલ છે. આરોગ્ય નિતી-2016એ સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરી ત્યાં સ્વનિર્ભર બ્રાઉન્ડ ફીલ્ડ મેડીકલ કોલેજ બનાવવાની પ્રોત્સાહક યોજના છે. નેશનલ મેડીકલ કમિશન, નવી દિલ્હીના ધારાધોરણ મુજબ સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરી નવી સ્વ-નિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજ સ્થાપવામાં આવે, તો તેને સ્વ-નિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજ તરીકે ઓળખાશે.
દાહોદની સફળતા ઉદાહરણ આપ્યા જનરલ હોસ્પિટલ, દાહોદ ખાતે વર્ષ 2018માં આરોગ્ય નિતી-2016 અંતર્ગત સ્વનિર્ભર (બ્રાઉન ફિલ્ડ) ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, દાહોદની સ્થાપના કરવામાં આવેલ. ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, દાહોદ ચાલુ થવાથી ઉચ્ચકક્ષાના આરોગ્ય વિષયક સાધનો ઉપલબ્ધ થયા છે. સિટી સ્કેન, એમ.આર.આઈ. જેવા મશીનો ઉપલબ્ધ થયા.