ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. હવે આજે સવારે 8 વાગ્યાથી પરિણામ જાહેર થશે. ચૂંટણીપંચ દ્વારા પરિણામને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે આઠ વાગ્યાથી જ રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરુ થશે. સાડા આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે EVMના મતોની ગણતરી શરૂ થશે એમ ચૂંટણી અધિકારી પી. ભારતીએ મીડિયાને જણાવ્યું હતું.
મતગણતરી મથકોએ તૈયારીઓ પૂર્ણ
રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવાશે. ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
સમગ્ર મતગણતરી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરાશે
ઉલ્લેખનીય છે કે, મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે.
37 મતગણતરી કેન્દ્રો પર મતની ગણતરી કરાશે
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી તેને આખરી ઓપ આપતાં જણાવ્યું કે, રાજ્યના 33 જિલ્લામાં 37 મતગણતરી મથકોએ તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો પણ રહશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકીય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.


.png)