દમણના અનેક યુવાઓ ક્રિકેટ શ્રેત્રે પ્રદેશનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે પ્રદેશને ગૌરવ લઇ શકાય એવી વધુ એક સિધ્ધિ દમણના ક્રિકેટરે હાંસલ કરી છે. દમણના ક્રિકેટર ઉમંગ ટંડેલની વિજય હજારે ટ્રોફીમાં ગુજરાત ટીમમાં પસંદગી થઇ છે. રમતગમત સચિવ અંકિતા આનંદ, રમતગમત નિયામક અરૂણ ગુપ્તા, મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી અક્ષય કોટલવાર, તાલુકા રમતગમત સંયોજક દેવરાજસિંહ રાઠોડ અને ક્રિકેટ કોચ ભગુ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

BCCI દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ઈન્ટર સ્ટેટ વન ડે વિજય હઝારે ટ્રોફી 2022-23 12મી નવેમ્બરથી શરૂ થઈ રહી છે, જેમાં દમણનો ક્રિકેટર ઉમંગ ટંડેલ ગુજરાત રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે. ઉમંગના કોચ ભગુ પટેલે જણાવ્યું છે કે ઉમંગે ગુજરાત તરફથી અંડર-14 રમતી વખતે અણનમ 200 રનની ઇનિંગ્સ રમી હતી, તેણે અંડર-16માં પણ સદી ફટકારી છે. ઉમંગ ટંડેલે ગુજરાત અંડર-19ના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી.
આ ઉપરાંત ગત વર્ષે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ પણ રમી ચૂક્યો છે. તે T20 સૈયદ મુન્સ્તાક અલી ટ્રોફી પણ રમી ચૂક્યો છે, આમ BCCIના તમામ ડોમેસ્ટિક ફોર્મેટ રમનાર દમણનો એકમાત્ર ખેલાડી છે. ઉમંગના કોચ ભગુભાઇ પટેલે જણાવ્યું કે, ઉમંગ ખૂબ જ સારો ઓલરાઉન્ડર ખેલાડી છે જે ગુજરાતની ટીમને જીત અપાવવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવશે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશને ઉમંગમાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે સાકાર થશે. ઉમંગની પસંદગી બદલ રમત ગમત સચિવ અંકિતા આનંદ, રમતગમત નિયામક અરુણ ગુપ્તા, મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી અક્ષય કોટલવાર, તાલુકા રમતગમત સંયોજક દેવરાજસિંહ રાઠોડ અને ક્રિકેટ કોચ ભગુ પટેલે અભિનંદન પાઠવ્યા છે અને દમણનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી છે.