ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનું કાર્ય વેગવંતુ બન્યું છે. કોંગ્રેસ દ્રારા 43 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્રારા ટૂંકસમયમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. તેવા સમયે આમ આદમી પાર્ટીએ તો અત્યાર સુધીમાં 182 બેઠકો પૈકી 158 બેઠકોના ઉમેદવારોના નામો જાહેર કરી દીધાં છે. બીજી તરફ અંજાર વિધાનસભાની બેઠકમાં આયાતી ઉમેદવાર સામે સ્થાનિક કાર્યકરો તેમ જ હોદ્દેદારો દ્રારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. કાર્યકરોએ ચેતવણી આપી છે કે, આ બેઠક પર ફેરવિચારણાં કરવામાં નહીં આવે તો ઉમેદવારને ડીપોઝીટ ગુમાવવાનો વારો આવશે.
ડિપોઝિટ ગુમાવવા સુધીની ચેતવણી આપવામાં આવી
સાત બેઠકના ઉમેદવારો પૈકીના અંજાર બેઠક પર અરજણભાઇ રબારીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સમક્ષ લેખિતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ ઉમેદવારનું વોટીંગ પણ અંજાર વિધાનસભામાં નથી. તેમ જ તેઓ અંજાર વિધાનસભામાં કોઇ સંગઠનમાં હોદ્દેદાર પણ નથી. પાર્ટીના માત્રને માત્ર બે કાર્યક્રમમાં હાજરી આપેલ છે. અંજાર શહેર તેમ જ તાલુકાની ટીમ સતત બે વર્ષથી કાર્યરત છે. તેમની કોઇપણ સેન્સ લેવામાં આવેલી નથી. જો આ વિધાનસભા સીટ પર ફેર વિચારણાં કરવામાં નહીં આવે તો 100 ટકા આ વિધાનસભાની સીટમાં ડીપોઝીટ સુધ્ધાં ગુમાવવાનો વારો આવશે.
કુલ 158 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ યાદી 2જી ઓગસ્ટ 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તબક્કાવાર ઉમેદવારો જાહેર કર્યા હતા. અત્યારસુધીમાં 12 યાદીઓ જાહેર કરી છે. જેમાં 158 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. દિવસની રીતે ગણતરી કરીએ તો આપ દ્રારા 99 દિવસમાં ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. મતલબ કે દર બે દિવસે ત્રણ ઉમેદવારો જાહેર કરાયાં છે.