- માંડળ ટોલનાકા પર મહિલાએ રોકડા ભરી ત્રણ માસનો પાસ કઢાવ્યો હતો
સોનગઢ તાલુકાના માંડળ ગામે હાઇવે પર આવેલ ટોલનાકાના મેનેજરે વ્યારાના રહેવાસી એક મહિલાની કારનો રોકડા રૂપિયા વસૂલ કરી માસિક પાસ કાઢી આપ્યાં બાદ તેમના બેંક એકાઉન્ટમાંથી પણ ટોલ ટેક્ષ પેટે બારોબાર નાણાં કાપી લેતાં છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વ્યારાના વૃંદા વાડી વિસ્તારમાં કિન્નરીબહેન અમિતભાઈ શાહ તેમના પરિવાર સાથે રહે છે. કિન્નરી બહેને કામ અર્થે અવારનવાર સોનગઢ તરફ જવું પડતું હોય તેમણે એક કાર નંબર GJ-26-T- 7186 વસાવેલ છે.
આ કામના ફરિયાદી બહેને દરરોજ સોનગઢ તરફ જવા માટે માંડળ ટોલનાકા થઈ પસાર થતાં હોય માસિક પાસ માટે ટોલનાકાના મેનેજર ઉપેંદ્રસિંહ ચૌહાણનો સંપર્ક કર્યો હતો. ઉપેંદ્રસિંહે પોતાની ઓળખાણ ટોલ નાકા મેનેજર તરીકે આપી ફરિયાદી બહેનને જણાવ્યું કે તમારે ટોલ પેટે દરરોજ 220 રૂપિયા ન ચૂકવવા હોય તો તમને હું એક રસ્તો બતાવું છું. તમે 225 રૂપિયા લેખે ભરી ત્રણ માસનો માસિક કઢાવી લો જેથી તમારી ગાડીના ફાસ્ટ ટેગમાંથી રૂપિયા કપાશે નહીં તે મુજબનો ભરોસો અને વિશ્વાસ આપેલ હતો.
તેમણે ફરિયાદી બહેનને માસિક પાસ કઢાવી લેવા માટે લાલચ આપતાં બહેનના પતિ અમીન ભાઈ બાબુલાલ શાહના નામે ગત તારીખ 01/07/21ના રોજ માંડળ ટોલનાકે આવેલા માસિક પાસના કાર્યાલયમાંથી રોકડા રૂપિયા 855 ભરી ત્રિમાસિક પાસ કઢાવ્યો હતો. ત્રિમાસિક પાસ ICICI બેંકના મથાળા સાથે ફરિયાદી બહેનને આપવામાં આવ્યો હતો, જેથી તેઓએ લોકલ પાસ પોતાની કાર સાથે રાખી માંડળ ટોલનાકા પરથી અવર જવર શરૂ કરી હતી.
આ પાસ મેળવ્યા બાદ ફરિયાદીની કારના ટોલ ટેક્ષ પેટે એક પણ રૂપિયો વસૂલ કરેલો નહિ જો કે બાદમાં વ્યારાથી સોનગઢ તરફ જતી વખતે 145 રૂપિયા અને આવતી વખતે 75 રૂપિયા મળી પ્રતિ દિન કુલ 220 રૂપિયા પ્રમાણે હમણાં સુધી બેંક એકાઉન્ટમાંથી ખોટી રીતે વસુલ કરેલ હતાં.
આમ ટોલનાકા સંચાલકોએ પાસ ખોટો બનાવી આપ્યો હતો અને તેઓ આ બાબત જાણતાં હોવા છતાં ખોટો બનાવટી કુટ લેખન વાળો માસિક પાસ ખરા તરીકે ઉપયોગ કરવા માટે ફરિયાદીને ખોટી જામીનગિરી બનાવી આરોપીઓ એક બીજાના મેળા પીપણા સાથે ફરિયાદી બહેન સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરેલ છે. આ અંગે સોનગઢ પોલીસે ટોલ નાકા મેનેજર સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
કોર્ટના આદેશ બાદ મેનેજર સામે ફરિયાદ
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે 56 પર માંડળ ગામે આવેલ ટોલ નાકા દ્વારા તાપી જિલ્લાના વાહન ચાલકો માટે માસિક પાસ ની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પાસ હોલ્ડર દ્વારા માસિક પાસ કઢાવ્યા બાદ પણ ફાસ્ટ ટેગમાંથી કપાઈ જતા વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ ગત સોનગઢ પોલીસ મથકમાં ગત તારીખ 3 જી સપ્ટેમ્બર 2021 ના રોજ કરી હતી. આ ફરિયાદ અંગે લાંબા સમય સુધી સોનગઢ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં નહિ આવતા ફરિયાદી દ્વારા જિલ્લા વકીલ મંડળના પ્રમુખ નીતિન પ્રધાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ તેમને જરૂરી પુરાવાઓ રજૂ કરતા એડવોકેટ નીતિન પ્રધાન દ્વારા સોનગઢની નામદાર કોર્ટમાં ગત 4 જૂન 2022ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે નામદાર કોર્ટે દ્વારા હુકમ કરવામાં આવતાં સોનગઢ પોલીસે મેનેજર સામે સોમવારે તાબડતોબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.