ઉચ્છલમાં દેવમોગરા સરકારી વિનયન કોલેજના આચાર્ય દ્વારા આગામી 20મીએ ગુણસદા ખાતે યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિદ્યાર્થીઓને નોટિસ આપવામાં આવતા વિવાદ ઉભો થયો છે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલી નોટિસમાં આચાર્ય એ જણાવ્યું છે કે દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ, જિલ્લો-તાપી ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો ને જણાવવા નું કે તારીખ 20-10-22ને ગુરુવારના રોજ દેશના વડાપ્રધાનનો સોનગઢ ખાતે કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના કલેકટર તથા D.D.O. (તાપી, જિલ્લા વિકાસ અધિકારી) દ્વારા આપવામાં આવેલ સુચના અનુસાર કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહેવાનું રહેશે.એવું નોટિસમાં જણાવવામાં આવ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓને બુધવાર સુધીમાં કોલેજ ના પ્રા.પ્રદીપભાઇ એમ. વસાવા, પ્રા.પ્રદીપભાઇ એન ગામીત, પ્રા. તૃપ્તિબેન આર. પાડવી તથા પ્રા.અયુબ ભાઇ ડી.ગામીતને નામ સત્વરે લખાવી દેવાની પણ સૂચના આપવામાં આવી છે.
આ નોટિસમાં આગળ જણાવાયું છે કે ભારતના વડાપ્રધાનને રૂબરૂમાં નજીકથી જોવાનો તથા તેઓની સ્પીચ સાંભળવાનો લ્હાવો ભાગ્યે જ મળે, તેથી આ સુવર્ણ તક બધા ઝડપી લેશો અને નામ નોંધાવી દેશો. વડાપ્રધાનની સભા બપોરે 2 કલાકે હોવાથી તમામ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જ જમીને બપોરે 12 કલાકે કોલેજ પર પહોંચવા માટે પણ ફરમાન કરાયું છે. એ સાથે જ અંતે જણાવાયું છે કે કોલેજથી સોનગઢ સુધી વિનામૂલ્યે એસ ટી બસમાં બધાને સભા સ્થળે લઈ જવામાં આવશે અને પરત ઉચ્છલ મૂકી પણ દેવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કોલેજના આચાર્ય મારફત વિદ્યાર્થીઓને નોટિસ આપવાની બાબત કેટલા અંશે યોગ્ય છે.



.png)