LRD ભરતીનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે મહિલા-પુરુષ ઉમેદવારો છેલ્લા 16 દિવસથી ગાંધીનગરના સચિવાલયના ગેટ બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લે સરકારને અલ્ટીમેટમ આપીને સત્વરે 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર નહીં કરાય તો સામૂહિક મુંડન કરવાની પણ ચીમકી LRD મહિલાઓએ ઉચ્ચારી હતી. તેમ છતાં આજદિન સુધી સરકારના પેટનું પાણી નહીં હલતાં આજે LRD મહિલાઓ ખુલ્લા વાળ સાથે મુંડન કરાવવાની તૈયારીઓ સાથે એકઠી થઈ હતી. જોકે, મહિલાઓ મુંડન કરાવે તે પહેલાં જ તેમની અટકાયત કરાઇ છે. આ દરમિયાન વિધાનસભા ગેટ નંબર એક ઉપર આંદોલનકારીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું
16 જૂલાઇના રોજ ગૃહ મંત્રીએ બાંહેધરી આપી હતી
LRD ભરતીમા 20 ટકા પ્રતિક્ષાયાદી જાહેર કરવાની માંગ સાથે મહિલાઓ રણચંડીના રૂપમાં આજે જોવા મળી રહી છે. વર્ષ 2018/19ની ભરતી પ્રક્રિયા કરી હતી. ત્યારબાદ LRD મુદ્દે મહિલા અને પુરુષ ઉમેદવારો દ્વારા આંદોલનો કરાયા હતા. પુરુષ ઉમેદવારોના આંદોલનમા ગૃહ રાજ્યમંત્રીએ પારણા કરાવ્યા હતા. ગત 16 જૂલાઇ 2022ના રોજ ગૃહ મંત્રીએ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે, 20 ટકા મહિલાઓ અને પુરુષો સાથે 2439 જગ્યાઓ ખાલી પડી છે. તેમા નોકરી લેવાની બાહેધરી આપી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.
છેલ્લા 16 દિવસથી આંદોલન
માત્ર 101 મહિલાઓ અને 118 પુરુષોની ઓફલાઇન નિમણૂંક કરી બાકીનાને લટકતા કરી દીધા છે. છેલ્લા 16 દિવસથી મહિલાઓ વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે, પરંતુ સરકારના પેટનુ પાણી હલતુ નથી. 20 ટકા વેઈટિંગ ઉમેદવારોને આપવામા આવેલો વાયદો પુરો કરવામા નહિ આવે ત્યા સુધી આંદોલન શરૂ કરાયું છે.
મહિલાઓની અટકાયત
LRD મહિલા ઉમેદવારોએ છેલ્લે સરકારને અલ્ટીમેટમ આપીને સામૂહિક મુંડન કરાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. તેમ છતાં હજી સરકાર દ્વારા વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવતાં આજે LRD મહિલાઓ ખુલ્લા વાળ કરીને સામૂહિક મુંડન કરાવવાની તૈયારી સાથે ઉમટી પડી છે. મહિલાઓએ કહ્યું હતું કે, જો અમને નોકરી આપવી ન હતી તો 1112 મહિલા અને 1327 પુરુષની ભાવનાઓ સાથે શા માટે રમત રમવામા આવી હતી ? જો સરકાર આ બાબતે હજી નિર્ણય જાહેર કર્યો નથી આથી તમામ મહિલા ઉમેદવારો માથે મુંડન કરાવવા આજે એકઠી હતી. જોકે, મહિલાઓ મુંડન કરાવે તે પહેલાં જ તેમની અટકાયત કરાઇ છે.





.png)