ગુજરાતમાં વિદ્યાર્થીઓને વિદેશ જઇ ઉચ્ચ અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા આર્થિક રૂપે મદદ કરવા માટે “વિદેશ અભ્યાસ લોન” સહાય શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વાલોડની એક વિદ્યાર્થીની વિદેશ અભ્યાસ લોન હેઠળ વિદેશમાં અભ્યાસ પ્રાપ્ત કરવાનો શરૂ કર્યો હતો. તાપી જિલ્લા ખાતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (વિ.જા) -તાપી દ્વારા જિલ્લામાં વસતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે પછાતવર્ગ (EBC)ના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવા માટે વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેલવાડા ગામના રહેવાસી અરવિંદભાઇ પટેલ દિકરી હેનિ પટેલના વિદેશમાં જઇ ઉચ્ચ અભ્યાસ કરવાના સ્વપ્નને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી “વિદેશ અભ્યાસ લોન” યોજના થકી સાકાર કરી શક્યા તેથી તેઓ ગુજરાત સરકાર અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ)ની કચેરી- તાપીનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે,મારી દિકરી હેનિ પટેલ ભણવામાં હોંશિયાર હતી અને મેડિકલ લાઇનમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઇ આગળનો અભ્યાસ પુર્ણ કરવા માગતી હતી.
પરંતુ મારી આર્થિક પરિસ્થિતી એટલી સારી ન હતી કે દિકરીને વિદેશ ભણવા માટે મોકલી શકું પરંતુ જયારે મને ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન વિશે જાણકારી મળી ત્યારે તરત જ હું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ)ની કચેરી- તાપી ખાતે પહોંચી આ યોજના વિશે વધારે માહિતી મેળવી ત્યાર બાદ મેં મારી દિકરી માટે આ યોજના થકી લોન લેવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ મેં આ યોજનાને સંલગ્ન તમામ શરતો સ્વીકારી અને દિકરી માટે 4% સાદા વ્યાજના દરે 15 લાખ રૂપિયાની લોન મળી હતી, જેમાં પ્રથમ હપ્તે 7.5 લાખ રૂપિયા અને બીજા હપ્તે 7.5 લાખ રૂપિયા આમ, બે હપ્તામાં લોન મેળવી હતી.
આ યોજના થકી આજે હેની કેનેડા જઇ મેડિકલ લાઇનમાં ફિઝિયોથેરાપી આસિસ્ટન્ટનો અભ્યાસ પુર્ણ કર્યો છે. હાલ મારી દિકરી હેની સારી રીતે કેનેડા ખાતે નોકરી કરી રહી છે. આજે અમારો પરિવાર ખૂબ જ ખુશ છે કે દિકરીનું વિદેશ જઈ ભણવાનું સ્વપ્ન સાકાર થઇ ગયું. આજે હું સરકારની સહાયથી બેવડી ખુશી વ્યક્ત કરું છું.આ યોજનાની લાભાર્થી હેની પટેલ જણાવે છે કે, વિદેશ જઇ સારું એજ્યુકેશન મેળવવું એ ફક્ત મારું જ નહિં પરંતુ મારા પરિવારનું પણ સ્વપ્ન હતું અને જેને ગુજરાત સરકારની “વિદેશ અભ્યાસ લોન” દ્વારા સાકાર કરી શકયા છે.
કેનેડા ખાતે ફિઝિયોથેરાપિસ્ટ તરીકેનો અભ્યાસ પૂર્ણ કરીને આજે હું ફિઝિયોથેરાપી આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. આ વિદેશ અભ્યાસ અર્થે લોન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કચેરી તાપી દ્વારા મળી હતી. જેથી હું ગુજરાત સરકાર અને તાપી જિલ્લાના વહિવટી તંત્ર સહિત સક્રિય અધિકારી/કર્મચારીઓનો આભાર માનું છું અને આ લોન મારા જેવા તમામ સ્ટુડન્ટ્સને મળવી જોઇએ કે જેથી તેઓ વિદેશ જઈને અભ્યાસ કરી શકે.


.png)