વ્યારા સ્થિત ડૉ.શ્યામાપ્રસાદ ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા, જળ સંપતિ અને પાણી પુરવઠાના રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરી અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તાપી જિલ્લાના 1071 સ્વસહાય જુથોને અંદાજીત 11.99 કરોડ રૂપિયાના ચેકોનું વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી રાજ્ય મંત્રી જીતુભાઇ ચૌધરીએ આપણા દુરંદેશી સ્વપ્નદ્રષ્ટા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની શુભકામના પાઠવતા સૌને જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આજે વિશ્વાસથી વિકાસ યાત્રા દરમિયાન તાપી જિલ્લાના કુલ 241 સ્વસહાય જુથોને 60.68 લાખ રૂપિયાના રીવોલ્વીંગ ફંડની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લામાં કૂલ 1,071 સ્વસહાય જુથોને અંદાજીત રૂપિયા 11.99 કરોડના ફંડ આપવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે ગુજરાતમાં મહિલાઓ આર્થીક રીતે સધ્ધર બની રહી છે. જેનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ને જાય છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાએ બહેનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવાની જવાબદારી આપણા સૌની છે. આજથી 20 વર્ષ પહેલાના ગુજરાત અને આજના ગુજરાતની પરિસ્થિતીમાં ફરક આપણે સૌ જોઇ અને અનુભવી શકીએ છીએ. આજે ગુજરાત વિજળી, પાણી, શિક્ષણ જેવી માળખાગત સુવિધાઓ અને અન્ય વિવિધ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. અંતે તેમણે ઉમેર્યુ હતું કે, ગુજરાત રાજય મહિલાઓને સશક્ત બનાવવા કટીબધ્ધ છે.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં કુલ-9783 સખી મંડળો નોંધાયેલ છે. જેમાંથી 7669 જુથો હાલ એક્ટીવ છે. જેમાં કૂલ- 84172 મહિલાઓ સંકળાયેલ છે. કૂલ-230 જુથોને કૂલ-219.50 લાખ સી.આઈ.એફ આપેલ છે.
તેમણે વધુમાં આજના કેશ ક્રેડિટ કેમ્પ હેઠળ કુલ-241 સખી મંડળોને રૂપિયા 60.68 લાખના રિવોલ્વીંગ ફંડ ચેકો અને 600 જુથોને 919.75 લાખના કેશ ક્રેડિટ લોન અર્પણ કરાઇ છે. આમ જિલ્લામાં કૂલ 1,071 સ્વસહાય જુથોને અંદાજીત રૂપિયા 11.99 કરોડના વિવિધ ફંડ આપવામાં આવ્યા છે. જેના માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે સખીમંડળો દ્વારા કરવામાં આવતી વિવિધ ઉત્કૃષ્ટ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી.



.png)