MCQ પદ્ધતિથી ઓનલાઇન લેવાયેલી પરીક્ષાના પરિણામમાં મોટાભાગના છાત્રો કોમન HRM વિષયમાં જ નાપાસ થતાં રજિસ્ટ્રારને આવેદન
ભૂલ સામે આવતાં યુનિ.એ તાત્કાલિક પરિણામ વેબસાઈટ પરથી હટાવી એજન્સીને ફરી ચકાસણી કરવા માટે સૂચના આપી
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા મંગળવારે વેબસાઈટ ઉપર બી.કોમ સેમ 1ની પરીક્ષાનું જાહેર કરેલ પરિણામમાં ટેકનિકલ ખામીના કારણે 55 ટકા જેટલા એટલે કે 5000માંથી 2750 જેટલા છાત્રો નાપાસ થતાં કોલેજોમાં ચકચાર મચી હતી. કોલેજો દ્વારા પરીક્ષા વિભાગને ધ્યાન દોરતા તાત્કાલિક પરિણામ વેબસાઈટ ઉપરથી હટાવી એજન્સીને ફરી ચકાસણી કરવા માટે સૂચના આપવામાં આવી છે.
અંદાજે 5 હજાર છાત્રોએ MCQ પદ્ધતિથી ઓનલાઇન પરીક્ષા આપી
યુનિવર્સિટીમાં એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો દ્વારા પરિણામની ચકાસણી કરી ફરી જાહેર કરવા માટે રજીસ્ટ્રારને આવેદન આપી રજૂઆત કરી હતી. યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીમાં પ્રથમ વર્ષના છાત્રોની એજન્સી મારફતે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં B.COM સેમ 1માં ઉતર ગુજરાતની સંલગ્ન કોલેજૉના અંદાજે 5 હજાર જેટલા છાત્રોએ MCQ પદ્ધતિથી ઓનલાઇન પરીક્ષા આપી હતી.
મોટાભાગે નાપાસ છાત્રોમાં કોમન HRM વિષયમાં જ નાપાસ
જેમના પરિણામ તાજેતરમાં પરીક્ષા વિભાગે યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં 44 ટકા જ પરિણામ આવ્યુ હતું. 55 ટકા છાત્રો નાપાસ થયા હતા. જેમાં હોશિયાર છાત્રોનો પણ સમાવેશ થયો હતો. મોટાભાગે નાપાસ છાત્રોમાં કોમન HRM (હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ) વિષયમાં જ નાપાસ થયા છે.
તાત્કાલિક વેબસાઈટ ઉપરથી આ પરિણામ હટાવી લેવાયું
જેથી છાત્રોને પરીક્ષાના ચકાસણીમાં ભૂલ થઈ હોવાના આક્ષેપો સાથે યુનિવર્સિટીમાં રજૂઆત માટે બુધવારે છાત્રોનો ઘસારો જોવા મળી રહ્યો હતો. તેમજ કોલેજોના સંચાલકો દ્વારા પણ પરિણામમાં ટેકનિકલ ખામીઓ હોવાની રજૂઆત કરતા પરીક્ષા વિભાગ દ્વારા તાત્કાલિક વેબસાઈટ ઉપરથી આ પરિણામ હટાવી લેવાયું છે.પરીક્ષાની એજન્સી દ્વારા ફરી ચકાસણી કરી રિઝલ્ટ આપવામાં આવે તેવી સૂચના આપી છે. છાત્રોને યુનિવર્સિટીની એજન્સીની ટેકનિકલ ખામી હોવાનું જાણવા મળતા ચિંતામુક્ત બની રાહત સાથે ફરી પરિણામ જાહેર થવાની કાગડોળે રાહ જોવા મજબૂર બન્યાં છે.
પરિણામ બેકી સંખ્યાની બદલે એકી સંખ્યાં આવ્યું છે
B.COM સેમ 1માં 70 ગુણના MCQ વિકલ્પ વાળાં પ્રશ્નો પત્ર હતાં. જેમાં 50 પ્રશ્નોમાંથી 35 લખવાના હતા. દરેક પ્રશ્નના બે ગુણ હતા. HRM વિષયમાં 70 ગુણમાંથી જેટલા સાચા પ્રશ્નનો હોય તેના બે ગુણ આપવાના હોય ટોટલ ગુણ બેકી સંખ્યામાં એટલે કે 28,18 કે 10 આવવા જોઈએ.પરતુ તેના બદલે ગણતરીમાં ભૂલ કરી એકી સંખ્યામાં ગુણ 9,15 ,19 એવા ગુણ આપ્યાં છે. જે આવે નહીં. જેથી એજન્સી દ્વારા પેપર ચકાસણી દરમિયાન ગણતરીમાં ભૂલ કરાઈ છે તે દેખાઈ રહ્યું છે જેથી વિદ્યાર્થીઓ નપાસ થયા છે.
રિઝલ્ટની તસ્વીર જોવામાં છાત્ર બધા વિષયમાં પાસ છે. ફ્કત HRM વિષયમાં 15 ગુણ આપતાં નપાસ થયો છે.
બે દિવસમાં ચકાસણી કરી ફરી પરિણામ જાહેર કરાશે : પરીક્ષા વિભાગ
પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ તેમજ કોલેજોના પ્રિન્સિપાલોની રજૂઆત મળતા પરિણામની સમીક્ષા કરતા સિંગલ ડિજિટ અને ડબલ ડીજીટના ફેરફાર જોવા મળ્યા છે જેથી લાગી રહ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે આ રીતે પરિણામ આવ્યું હોય જેથી તાત્કાલિક એજન્સીને ગંભીરતાપૂર્વક સમગ્ર પરિણામની ફરી ચકાસણી કરીને રિઝલ્ટ આપવા માટે સૂચના આપવામાં આવી છે.બે દિવસમાં ચકાસણી પૂર્ણ થતા ફરીથી પરિણામ જાહેર કરવામાં આવશે.
એજન્સી જ નાપાસ : પરીક્ષામાં ત્રણ જેટલા પેપર રદ થયા હતા પરિણામમાં છબરડો
નિવર્સિટીના એક હોદેદારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઓનલાઇન પરીક્ષામાં એજન્સીને ઓનલાઈન પરીક્ષા લેવાનું લાખો રૂપિયાનું ટેન્ડર અપાયું છે.છતાં પરીક્ષામાં સર્વરમાં નેટવર્ક સહિતના ભાષાના વિવિધ પ્રશ્નોને લઈને છબરડાં સામે આવતા ત્રણ વિષયોની પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. હવે પરીક્ષાના પરિણામમાં પણ છબરડાઓ સામે આવી રહ્યા છે.પરીક્ષામાં એજન્સી ફેઇલ ગઈ છે.

