આચાર્ય અને શિક્ષિકા બહેન વચ્ચે તકરાર થતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો
સોનગઢના ચાકળિયા ગામે જિલ્લા પંચાયત તાપી સંચાલિત પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષિકા વચ્ચે તકરાર થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ શાળાનું વાતાવરણ બગડ્યું હતું.આખરે શિક્ષણ વિભાગે વિવાદનું કેન્દ્ર બનેલા આચાર્ય અને શિક્ષિકા એમ બંનેની બદલી કરી દીધી હતી.
સોનગઢના ચાકળિયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શીલાબહેન ઝાડ દ્વારા એપ્રિલમાં શાળાના આચાર્ય સુધાકરભાઈ ગામીત વહીવટી હેરાન ગતિ કરતાં હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે ફરિયાદ અપાઈ હતી. આ બનાવ બાદ ચાકળિયા શાળાનું વાતાવરણ બગડી ગયું હતુંં. સમગ્ર પ્રકરણમાં આચાર્ય સુધાકરભાઈ ગામીત નિર્દોષ હોવાનું જણાવી વાલીઓ તેમની સાથે જોડાયા હતા અને શીલાબહેન સામે અવારનવાર મોરચો માંડ્યો હતો. ગત દિવસોમાં શિક્ષિકાએ બાળકોને પ્રગતિ પત્રક આપ્યા નથી.
એ મુદ્દે વાલીઓ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું અને બહેનની બદલી કરવા માગ મૂકી હતી. એ પછી વાલીઓની શિક્ષિકાની બદલી અંગેની માગ નહિ સંતોષાતા શુક્રવારે લોકો ભેગા થઈ શાળાના દરવાજે તાળું મારી દીધુ હતું.તે સમયે ઉપસ્થિત તાલુકા શિક્ષણ અધિકારીએ ચાર દિવસમાં પ્રશ્નના નિરાકરણની ખાત્રી આપી હતી. છતાં નિવેો ન આવતા શનિવારથી વાલીઓ દ્વારા પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી શિક્ષણ બહિષ્કાર કર્યો હતો, જેથી શાળા કેમ્પસ ત્રણ દિવસથી બાળકો વિના ખાલી હતું. અંતે ડીડીઓએ બદલી અંગે મંજૂરી મેળવી હતી.
એકની વ્યારા અને એકની બુહારી બદલી
સમગ્ર પ્રકરણમાં અંતે મંગળવારે ચાકળિયા ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા શીલાબહેન ઝાડની બદલી તાલુકા શાળા વ્યારા ખાતે કરી હતી, જ્યારે સુધાકરભાઈ ગામીતની પણ બદલી કરી તેમને પ્રાથમિક શાળા બુહારી મિશ્ર ખાતે મુકવામાં આવ્યાં હતાં. આમ ચાકળિયા ગામની શાળામાં શિક્ષિકા અને આચાર્ય વચ્ચે થયેલી તકરાર બાદ વહીવટી તંત્ર દ્વારા હાલ તો શાળા માંથી બંને ની બદલી કરી દેવામાં આવી છે ત્યારે હવે શાળાનું વાતાવરણ ફરી શાંતિમય બનશે કે નહીં એ જોવું રહ્યું.

