તાપી નદીના કિનારે આવેલા જુના આમલપાડા નજીકનો ગાયકવાડી કાળનો કિલ્લો માવજતના વાંકે વેરાન
તાપી જિલ્લાના સોનગઢના ઉકાઈ અસરગ્રસ્ત ગણાતાં બોરદા વિસ્તારમાં જુના આમલપાડા ગામ નજીક સર સયાજીરાવ ગાયકવાડનો ગણાતો પૌરાણિક અને ઐતિહાસિક પોડઘટ કિલ્લો આવેલો છે. આ કિલ્લો હાલમાં ઉજ્જડ પડ્યો છે. છતાં તાપી વહીવટી તંત્રએ ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે કોઈ કાળજી લેવામાં આવી નથી. આ કિલ્લાને યોગ્ય મરામત સાથે ઇતિહાસને લોકો સમક્ષ મુકવામાં આવે તો, હરવા ફરવાનું જિલ્લામાં નવું સ્થાન બની શકે છે.
સોનગઢ તાલુકા મથકથી અંદાજિત 25 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં ઉકાઈ ડેમ નજીક જુના આમલપાડા ગામ પાસે આ કિલ્લો આવેલો છે. સ્થાનિક આદિવાસી સમાજની લોકવાયકા પ્રમાણે આ કિલ્લા સાથે અનેક દંતકથા સંકળાયેલી છે, અને સનાતન સંસ્કૃતિના રેખાચિન્હો પણ જોવા મળે છે.આ અંગે વાત કરતાં સ્થાનિક યુવા આગેવાન પ્રદીપ ભાઈ વસાવાએ જણાવ્યું કે જેમણે આ કિલ્લો બાંધ્યો હોવાનું કહેવાય છે, એવાં વડોદરા રાજ્યના તત્કાલીન રાજવી સર સયાજીરાવ ગાયકવાડને અહીંના સ્થાનિક આદિવાસીઓ ગોવલી રાજા તરીકે સંબોધતા હતા.
અને ગોવલી રાજા ગામ નજીક મહેલમાં રહેવા આવતાં હતાં. કિલ્લાની નીચે ભેંસ,પાડા જેવા પશુ બંધાવી તેનો શિકાર કરતા હતા. દુશ્મનોથી કિલ્લાની રક્ષા કરવા માટે કિલ્લાની ઉપરથી નીચે સુધી એક ભોંયરું હોવાનું કહેવાય છે. જેના મારફતે રાજા અવર જવર પણ કરતા હતા અને કિલ્લા પર પડતાં વરસાદી પાણી અદ્દશ્ય થઈ ગયા બાદ સીધા જમીન પર મળે છે. જે આ જ ભોંયરામાં થઈ આવતાં હોવાનું કહેવાય છે. આ પોડઘટ કિલ્લાથી સોનગઢના કિલ્લા સુધી પહોંચતું એક અન્ય ભોંયરું પણ હતું, જે હાલ બંધ હાલતમાં જોવા મળે છે.કિલ્લાની ઉપરના ભાગે સૈનિકોના રહેવા માટેના બંકરો તૂટી ગયા છે, અને કિલ્લાનો દરવાજો પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે. જ્યારે કિલ્લાની ફરતેની પાકી દીવાલો પુરાણમાં દટાઈ ગયેલ છે.આ કિલ્લાને પ્રવાસી સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો બોરદા પટ્ટી જેવાં આદિવાસી વિસ્તારમાં રોજગારીના નવા સાધનો અને તક ઉપલબ્ધ થશે એવું સ્થાનિક લોકોનું માનવું છે.
આ કિલ્લાને જો વિકસાવવામાં આવે તો પ્રવાસન માટે વધુ 1 સ્થળ મળી શકે
લોકવાયકા પ્રમાણે આદિવાસી દેવી દેવાણી માતાનું મંદિર તાપી કિનારે પોડઘટ કિલ્લાની સામે દિશાએ મોટા ડુંગર પર ગોવલી રાજા દ્વારા બનાવવા આવ્યું હતું. જે મંદિર હાલ જોવા મળતું નથી. એ સાથે જ નંદી દેવ, હનુમાન મંદિર અને શિવ મંદિરો પણ કિલ્લા પર હતા. અહીંના સ્થાનિક આદિવાસીઓ અને દૂર દૂરથી આવતાં શ્રદ્ધાળુઓ દર વર્ષે હોબયાત્રા સાથે પૂજા સત્સંગ,આરતી અને આદિવાસી રિવાજ પ્રમાણે નાચ ગાન કરતાં અહીં સુધી આવે છે. જો કે હાલ રસ્તો નહીં હોવાથી લોકો કિલ્લા પર જઈ શકતા નથી.
ખજાનો શોધવા માટે ખાડા ખોદાતા કિલ્લાને નુકસાન
લોક વાયકા પ્રમાણે પોડઘટ કિલ્લાની નીચે સોના ચાંદી સહિતનો પ્રાચીન ખજાનો દાટવામાં આવ્યો છે. જેથી ભૂતકાળમાં કેટલાક લોકોએ કિલ્લાની ઉપરના ભાગમાં ખજાનો શોધવા માટે ઊંડા ઊંડા ખાડા કરી દીધા હતાં જે આજે પણ જોઇ શકાય છે.જો કે હજી સુધી કોઈ ને એ ખજાનો મળ્યો હોવાની વાત જાણમાં નથી.
સોનગઢના જંગલ આમલપાડા ગામ નજીક આવેલો પોડઘટ કિલ્લો તંત્રની માવજતના અભાવે હાલ વેરાન બન્યો છે. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા આ સ્થળે હાલ માત્ર અવશેષો જ જોવા મળે છે.

