મહિલા વર્લ્ડ કપ 2025માં ચેમ્પિયન બનીને આજે(3 નવેમ્બર) ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું છે. જણાવી દઈએ કે, ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે આ મહામુકાબલો ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયો હતો. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. જેમાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 298 રન બનાવ્યા હતા. ભારતે શેફાલી અને દીપ્તિની ફિફ્ટીના દમ પર સાઉથ આફ્રિકાની સામે 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ 45.3 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાની 52 રને જીત થઈ છે. આ જીત સાથે ભારતની મહિલા ટીમ ચેમ્પિયન બની ગઈ છે.
મહિલા વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બાદ આજે ભારત ચેમ્પિયન બન્યું છે. ભારતીય ટીમ વર્ષ 2005 અને 2017માં ફાઈનલમાં પહોંચી પણ સફળ નહોતી થઈ શકી. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી હતી. 2005ની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 98 રને મ્હાત આપી હતી. જ્યારે 2017ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

.jpg)
