રાહુલ ગાંધીએ વોટ ચોરી મુદ્દે વધુ એક સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે કેટલાક પુરાવા રજૂ કરીને દાવો કર્યો હતો કે, ‘દેશમાં એક એવી તાકાત છે, જેણે વોટિંગ સિસ્ટમને હાઇજેક કરી વોટ ડિલીટ કરી દીધા છે, નવા વોટ ઉમેરાઈ રહ્યા છે. દેશની લોકશાહી હાઇજેક થઈ ગઈ છે. દેશના વોટ ચોરોને ચીફ ઈલેક્શન કમિશ્નર જ છાવરી રહ્યા છે, જેના મારી પાસે સચોટ પુરાવા છે. હવે હું 'વોટ ચોરી' મુદ્દે ટૂંક સમયમાં જ 'હાઇડ્રોજન બોમ્બ' ફોડવાનો છું.’ નોંધનીય છે કે, હાલમાં જ રાહુલ ગાંધીની 'વોટર અધિકાર યાત્રા' પૂર્ણ થઈ છે.
આ અંગે વધુ વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારું કામ લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો છે. તેની સુરક્ષા કરવાનું નથી. ભારતના ઇન્સ્ટિટ્યુશન્સ આ કામ કરી રહ્યા નથી. તેથી હું તેમનું કામ કરી રહ્યો છું. મારું કામ સત્ય બહાર લાવવાનું છે. ભારતની લોકશાહી હાઇજેક થઈ ગઈ છે. તેને દેશના લોકો જ બચાવી શકશે.
મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્રની રજોરા વિધાનસભા બેઠકમાં ઓનલાઇન વોટ ઉમેરવામાં આવ્યા હતા. કર્ણાટક સીઆઇડીએ ચૂંટણી પંચ પાસે માર્ચ મહિનામાં વોટ ચોરી મામલે માહિતી મગાવી હતી, જેમાં જેની જરૂર હતી તે સિવાય અન્ય તમામ વિગતો સીઆઇડીને આપી. સીઆઇડીએ આ મામલે ચૂંટણી પંચને 18 રિમાન્ડર પત્રો લખ્યા. ચૂંટણી પંચના કમિશ્નર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને છાવરી રહ્યા છે. અમારી માગ છે કે, જ્ઞાનેશ કુમાર કર્ણાટકની સીઆઇડીને એક સપ્તાહની અંદર તમામ પુરાવા આપો.
મુખ્ય ચૂંટણી કમિશ્નર સામે ગંભીર આરોપ
રાહુલ ગાંધીએ સનસનીખેજ આક્ષેપો કરતાં કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને બચાવી રહ્યા છે. આ દાવાના મારી પાસે પુરાવા છે, જેને નકારી શકાય નહીં. આ પુરાવા બ્લેક એન્ડ વ્હાઇટ છે. અમારી પાસે પુરાવા છે કે દેશભરમાં લઘુમતી, દલિતો, આદિવાસી અને ઓબીસીના લાખો વોટ કાઢી નંખાયા છે. આ ખાલી વિપક્ષના વોટ કાપવાની ટ્રીક છે.
આલંદનું વોટ ડિલીટનું ઉદાહરણ આપ્યું રાહુલ ગાંધીએ
કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠકનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં અહીં 6018 મતો કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક બીએલઓએ જોયું કે તેમના કાકાનો વોટ જ કાઢી નાખવામાં આવ્યો છે. જાણવા મળ્યું કે આ એક પાડોશીના નંબર પરથી થયું છે. જ્યારે તેમણે પાડોશી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેમને ખબર પણ નથી કે કેવી રીતે કાઢી નાખવામાં આવ્યું.
.png)
.jpg)
