તાપી જિલ્લાના 28 આદિવાસી બાળકો 'વિજ્ઞાન સેતુ-તાપી કે તારે' પ્રોજેક્ટ હેઠળ ISRO ની શૈક્ષણિક યાત્રા પર ગયેલા જે વિધાર્થોઓ આજે સફળતાપૂર્વક સુરત પરત ફર્યા. આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે સુરત એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું અને તેમના અનુભવો જાણ્યા.
આ યાત્રા 10 થી 13 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી, જેમાં તાપી જિલ્લાની 15 સરકારી શાળાઓના વિજ્ઞાન વિદ્યાશાખાના 28 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ બાળકોએ પહેલીવાર હવાઈ મુસાફરીનો પણ અનુભવ કર્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે તાપી જિલ્લા વહીવટીતંત્રની આ પહેલ ખૂબ જ પ્રેરણાદાયી છે, જેનો હેતુ આદિવાસી બાળકોમાં વૈજ્ઞાનિક વલણ અને વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવાનો છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટને અન્ય આદિવાસી જિલ્લાઓમાં પણ અમલમાં મૂકવાના પ્રયાસો કરવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે આવી નવીન યાત્રાઓ બાળકોની કલ્પના અને સપનાઓને નવી ઉડાન આપે છે, જે તેમને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપશે. તેમણે 'જય વિજ્ઞાન, જય અનુસંધાન' ના સૂત્રનો ઉલ્લેખ કરીને વિજ્ઞાનના મહત્વ પર ભાર મૂક્યો.
તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળકોએ ISROના સંશોધન કાર્ય, અવકાશ વિજ્ઞાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓને નજીકથી જોઈ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ જૂથના વધુને વધુ બાળકો વૈજ્ઞાનિક બનીને દેશની સેવા કરશે.
આ 28 વિદ્યાર્થીઓની પસંદગી એક ખાસ પ્રક્રિયા હેઠળ કરવામાં આવી હતી. તાપી જિલ્લાની 15 સરકારી શાળાઓમાંથી ધોરણ 11 અને 12 ના વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે 100 ગુણની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ધોરણ 9 અને 10 ના વિજ્ઞાન પાઠ્યપુસ્તકોમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓએ શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (ISRO) ના વૈજ્ઞાનિકો પાસેથી લોન્ચ સેન્ટરની ટેકનોલોજી, રોકેટ લોન્ચ પ્રક્રિયા, રોકેટના પ્રકારો અને ઉપગ્રહોના ઉપયોગ વિશે માહિતી મેળવી. બધા વિદ્યાર્થીઓએ સર્વાનુમતે કહ્યું કે આ સફર તેમના માટે વિજ્ઞાનમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણાદાયક અનુભવ હતો.