અમદાવાદ શહેરમાં રવિવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે મીઠાખળીનો અંડરપાસ વાહનોના અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રસ્તાઓ પર વરસાદના પાણી ભરાતા વાહનચાલકો અને લોકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં ચાર ઈંચ વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોમાં ઘરમાં પણ પાણી ઘૂસ્યાના અહેવાલ સામે આવ્યા છે. જેના કારણે ઘરવખરીને નુકસાન થયા છે.
નારોલ, રામોલ, હાટકેશ્વર જેવા વિસ્તારોમાં વાહનચાલકો પાણીમાં જ ભરાઈ ગયા હતા. સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરતાં તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.તંત્રના સ્માર્ટસિટીના દાવા પોકળ સાબિત થયા હતા. જ્યારે બીજી બાજુ વાસણા અને ઓઢવમાં પણ ત્રણ ઈંચ વરસાદથી લોકો મુસીબતમાં મૂકાયા હતા.
અમદાવાદમાં જિલ્લામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 3.54 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં અમદાવાદના દસ્ક્રોઇમાં 3.54 ઇંચ, બાવળામાં 2.9 ઇંચ, ધોળકામાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે.
