વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે 7 માર્ચના રોજ બપોરે સુરતના એરપોર્ટ આવ્યા બાદ સેલવાસ ખાતે નવનિર્મિત નમો હોસ્પિટલ સહિત રૂ.2578 કરડોના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. સેલવાસ ખાતે વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધીને સુરત પરત ફર્યા હતા. જ્યાં તેમણે 3 કિલોમીટરનો રોડ શૉ કર્યો હતો. ત્યારબાદ નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જાહેરસભાને વડાપ્રધાને સંબોધી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. જ્યારે આવતીકાલે 8 માર્ચે વડાપ્રધાન નવસારીના કાર્યક્રમ માટે રવાના થશે. નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદીએ લોકો સંબોધતી વખતે કહ્યું હતું કે, 'કાલે મહિલા દિવસ છે, ત્યારે મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી એક્ટિવિટી મહિલાઓને સોંપવા જઈ રહ્યો છું. કાલે નવસારીમાં નારી સમર્પિત એક મોટા કાર્યક્રમમાં હાજર રહીશ. વડાપ્રધાન બન્યા બાદ સુરતમાં આ મારી પહેલી મુલાકાત છે. હું હંમેશા આપસૌનો ઋણી છું. સુરતની સ્પિરીટ અને ભાવનાને આગળ વધારનારો આ કાર્યક્રમ છે.'
સુરતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે,'સુરત વિશ્વના શ્રેષ્ઠ શહેર તરીકે વિકસિત રહે તે માટેના પ્રયત્ન કરતા રહીશું. આવનાર સમયમાં દિલ્હી બુલેટ ટ્રેન અને દિલ્હી મુંબઈ એક્સ્પ્રેસ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. જેમાં સુરત શહેરમાં મેટ્રોની કનેક્ટવિટી વધુ સારી થઈ રહી છે. આમ જે શહેરના લોકો શાનદાર હોય તેમના માટે બધુ શાનદાર હોવુ જોઈએ.'