- વ્યારા જનરલ હોસ્પિટલ અને મંજુર થયેલી મેડિકલ કોલેજનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા સામે આદિવાસી સમાજમાં નારાજગી
- શિક્ષણમાં થતા ખાનગીકરણને બંધ કરવામાં આવે
તાપી જિલ્લાના વ્યારા ખાતે આજરોજ સંવિધાન, સ્વાભિમાન, સંસાધન અને રાષ્ટ્રીય સંપ્રભુતા સુરક્ષા અભિયાન સમિતિના નેજા હેઠળ અગ્રણીઓ, લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાંક વર્ષોથી જુદાજુદા કારણોસર જમીનો સંપાદન કરાવી ખાનગી લોકોને આપવામાં આવી રહી છે, તેમજ વિવિધ સુવિધાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે.
તાપી જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલ અને મંજુર થયેલી મેડિકલ કોલેજનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયાનો વિરોધ કરી તેનું સંચાલન સરકાર હસ્તક જ રહેવું જોઈએ, શિક્ષણમાં થતા ખાનગીકરણને બંધ કરવામાં આવે, વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહિતના પ્રશ્નોનું નિરાકરણ કરવા, આદિવાસી વિસ્તારમાં પડતર, ગૌચર, ગામઠાણ, નદીકોતરો, જંગલ વિસ્તારમાં પેઢીઓથી રહેતા લોકોને કોઈપણ પ્રકારના વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા વગર હટાવવાનું બંધ કરવા તેમજ જેઓને રહેઠાણનો અધિકાર નિયમીત કરી આપવા આ ઉપરાંત ભૂમિવિહિન ખેતમજૂરો, હળપતિ સમુદાય, આદિમજુથને દરેક ગામમાં ૧૦૦ એકર જમીનની ફાળવણી કરવા, પેસા કાનૂન તેમજ જમીન સંપાદન સહિતના જુદાજુદા મુદ્દાઓ અંગે રજુઆત કરવામાં આવી હતી.