- એકલવ્ય શાળા માટે સરકારે ફાળવેલી ગૌચરની જમીન બાબતે ગ્રામજનોએ વિરોધ
- ધારાસભ્ય મોહન ઢોડીયાએ દરમ્યાનગીરી કરી મામલો થાળે પડ્યો
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરીયા ગામે એકલવ્ય શાળા માટે સરકારે ફાળવેલી ગૌચરની જમીન બાબતે ગ્રામજનોએ વિરોધ નોંધાવતા મામલો ઉગ્ર બન્યો હતો. આ બાબતે મહુવા બેઠકના ધારાસભ્ય મોહન ઢોડીયાએ દરમ્યાનગીરી કરી મામલો થાળે પડ્યો હતો.
વાલોડના દાદરીયા ગામે પ્રાંત અધિકારી તેમજ ટીએસપીના અધિકારીઓ જમીનનો કબ્જો લેવા પહોંચ્યા હતા, ત્યારે સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગામની ગૌચરની જમીન કોઈપણ શરતે નહિ આપવાની વાતો કરી હતી. આ જમીન પર ગામના મહત્ત્વના કામો, કાર્યક્રમો થતા હોવાની સાથે નામ માત્ર જમીન રહી ગઈ હોય તેમના પશુઓ ક્યાં ચરશે જેને લઈ ગ્રામજનોએ સરપંચ સાથે મળી વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર મામલે મહુવા બેઠક પરના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા દરમ્યાનગીરી કરવામાં આવતા મામલો શાંત પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયત દ્વારા એકલવ્ય શાળા માટે જગ્યા ફાળવવા માટે કોઈ ઠરાવ નહિ કરાયો હોવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ શા કરણોસર પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા, ધારાસભ્ય મોહન ઢોડીયાએ ઉગ્ર બનેલ લોકટોળાને શાંત પાડી ગૌચરની જગ્યા નહિ લેવા હાલ પૂરતો નિર્ણય કરાયો હતો અને અન્ય જગ્યાની માંગણી કરી ત્યાં એકલવ્ય શાળા બનાવવા માટે ધારાસભ્યએ અધિકારીઓને જણાવ્યું હતું.
દાદરીયા ગામે ગૌચરની જમીનમાં પહેલેથી જ પાણી પુરવઠા વિભાગને કેટલીક જમીન ફાળવી છે. હવે બાકી બચેલી જમીનમાં એકલવ્ય શાળા આવશે તો ગ્રામજનોના સામાજિક પ્રસંગોની સાથે ગામના પશુઓને ચરવા માટે મુશ્કેલી પડશે એવું ગ્રામજનોનું માનવું છે. હાલ સ્થાનિક ધારાસભ્યની દરમ્યાનગીરીથી મામલો થાળે તો પડ્યો છે, પરંતુ જોવું એ રહ્યું કે હવે સંબંધિત વિભાગ એકલવ્ય શાળા ક્યાં વિસ્તારમાં શરૂ કરશે.


.png)