7મી મેના રોજ લોકસભાની ચૂંટણી સુપેરે પાર પડે અને દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 'એવરી વોટ કાઉન્ટ્સ'ના ધ્યેય સાથે કાર્યરત ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
તાપી જિલ્લાની કુલ 2 બેઠક પર 2436 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જેઓને મત આપવા સુલભ્ય વાતાવરણ પુરૂં પાડવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે જિલ્લા સેવાસદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.વિપિન ગર્ગે તાપી જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 15 "સક્ષમ રથ"ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા.
ચૂંટણી અધિકારી ગર્ગે જણાવ્યું હતું કે, દિવ્યાંગ અને વૃદ્ધજનો માટે કુલ- 468 મતદાન મથક પૈકી 339 મથકો પર વ્હીલચેરની વ્યવસ્થા સહિત ડ્રોપ ફેસેલીટી અંતર્ગત જિલ્લાના પ્રત્યેક 30 મતદાન મથક સ્થળ વચ્ચે એક "સક્ષમ રથ-(વાહન વ્યવસ્થા)નું આયોજન કરવામાં આવ્યું છે. મતદાનના દિવસે કોઈ દિવ્યાંગ/વરિષ્ઠ નાગરીકને વાહનની જરૂરીયાત ઉભી થાય અને સમયસર વાહનનો લાભ મળી રહે તે હેતુથી બન્ને વિધાનસભા મતવિસ્તારમા વાહનની જરૂરીયાત મુજબ કુલ 15 રૂટ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં કુલ 15 “સક્ષમ રથ”ની કાર્યરત રહશે. 171- વ્યારા માટે 05 અને 172-નિઝર વિધાનસભા બેઠક માટે 10 સક્ષમ રથની ફળવણી કરવામાં આવી છે.
પ્રત્યેક "સક્ષમ રથ"માં એક વ્હીલચેર સાથે એક સહાયક ઉપલબ્ધ રહેશે. જેમાં હેલ્પલાઈન પર વાહનની જરૂરીયાત અંગેનો કોલ આવવાથી, જે-તે રૂટની ગાડી ત્યાં ઉપસ્થિત રહી, દિવ્યાંગ/વરિષ્ઠ મતદાતાને સુગમ્યથી મતદાન કરાવવામાં મદદરુપ થશે. જેના થકી મતદાનના દિવસે દિવ્યાંગ તેમજ વરિષ્ઠ નાગરીક સુગમ્ય રીતે મતદાન કરી શકશે. દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો મત આપવા લાઇનમાં ઉભા રહેવામાં મુશ્કેલી ન અનુભવે અને સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન બુથ પર અલગથી લાઇન, રેમ્પ તથા જરૂરીયાત ધરાવતા 214 બુથો પર સહાયકોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

.png)