સોનગઢ એસ ટી ડેપો દ્વારા મુસાફરોની માંગને ધ્યાનમાં લઈ સોનગઢથી મહારાષ્ટ્રના તીર્થ સ્થળ ત્રંબકેશ્વર વાયા નાસિક સુધી ની બસ સેવા શરૂ કરવામાં આવતાં મહારાષ્ટ્ર તરફ જતાં મુસાફરોને સીધી બસ સેવાનો લાભ મળ્યો છે. સોનગઢએ મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલું ગામ હોય અહીં મહારાષ્ટ્રીયન સમાજના લોકો પણ મોટા પ્રમાણમાં રહે છે.એ સાથે જ નાસિક શહેર એજ્યુકેશન નું પણ હબ ગણાતું હોય આ વિસ્તારના સેંકડો વિદ્યાર્થી ભાઈ બહેનો પણ અભ્યાસ માટે ત્યાં જતાં હોય છે.
નાસિક નજીક આવેલા તીર્થ સ્થળ ત્રંબકેશ્વર ખાતે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક શિવ મંદિર આવેલું હોય ધાર્મિક યાત્રા એ પણ ઘણા લોકો જતાં હોય છે.એ સાથે જ આ જ રસ્તે આવેલા ગુજરાતના સાપુતારા હિલ સ્ટેશન તરફ જવા હાલમાં કોઈ સીધી બસ સેવા મળતી ન હતી. આ સંદર્ભે ઉકાઈ સોનગઢ રેલ એન્ડ રોડ પેસેન્જર એસોસીએશનના ઈરફાન ભાઈ,રાજુ ભાઈ (ઉકાઈ) અને અન્ય મુસાફરો એ ડેપો મેનેજર સોનગઢને મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર ધામ સુધીની સીધી બસ સેવા શરૂ કરવા રજૂઆત કરી હતી.
ગત થોડા માસ પહેલાં સોનગઢ ડેપો ખાતે નવી બસો ફાળવવામાં આવી હતી એ પૈકીની એક બસ પહેલી મે 2024થી સોનગઢ ત્રંબકેશ્વર રૂટ પર શરૂ કરી દેવામાં આવી છે. આ બસ સવારે 6.30 કલાકે સોનગઢથી ઉપડીને વાયા વ્યારા, વાંસદા, સાપુતારા, નાસિક થઈ બપોરે 1.30 કલાકે ત્રંબકેશ્વર પહોંચશે અને વળતાં ત્યાંથી બપોરે 2.30 કલાકે ઉપડી રાત્રે 9.00 કલાકની આસપાસ સોનગઢ પહોંચશે. મુસાફરોને આ નવી બસ સેવાનો લાભ લેવા એસોસિએશન દ્વારા જણાવાયું છે.


.png)