ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદ પર પુનર્વસવાટના ગામમાંથી ગત રોજ સાંજે ખેતરમાં ન્હાવા ગયેલી ચાર વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતાં તેનું મોત નીપજ્યું હતું.
કુકરમુંડા તાલુકાના પિશાવર ગામ નજીક એક ખેતરમાં રહેતાં કાનસિંગ કાશયાભાઈ પાડવી (26) ઝૂંપડું બનાવીને પરિવાર સાથે રહે છે. અને ખેતી કરી ગુજરાન ચલાવે છે. સોમવારે સાંજના સાત વાગ્યાના સમયે કાનસિંગભાઈના પત્ની તેમની ત્રણ વર્ષ અને સાત માસની દીકરી દિવ્યાંશી પાડવીને ન્હાવા માટે ખેતરમાં ગયાં હતાં. થોડી વાર પછી માતા દિવ્યાંશીને એ જ જગ્યા મૂકી બીજી દીકરીને લેવા માટે ઝંપડા તરફ ગયાં હતાં. જો કે આ તકની રાહ જોઈને બાજુના જ બાજરાના ખેતરમાં ઘાત લગાવી બેસેલો કદાવર દીપડો ત્યાં ત્રાટક્યો હતો અને તેણે દિવ્યાંશી પર હુમલો કરી તેને ગળાના ભાગે તીક્ષ્ણ દાંત ફસાવી નજીકના અન્ય ખેતરમાં ઘસડી ગયો હતો. બીજી તરફ દીકરી ને દીપડો ઉપાડી જતો હોવાનું દ્દશ્ય જોતા માતાએ બુમાબુમ કરતાં દીપડો બાળકીના શરીરને ત્યાં જ મૂકી નાસી ગયો હતો. કમનસીબે આ બનાવમાં બાળકીને ગળાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે સરહદી વિસ્તાર હોય પ્રથમ નિઝર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે તપાસ દરમિયાન આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યના પ્રકાશા નજીક આવતું હોય સહાદા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.