કામરેજના સેવની ગામે સભા કરેવા ગયેલા ભાજપના નેતાઓનો ક્ષત્રિયોએ વિરોધ નોંધાવતા ભાજપ ચિંતામાં મુકાયું હતું અને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ભાજપના નેતાઓને સફળતા મળી ન હતી.
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનને લઈને હાલ ક્ષત્રિયો લાલઘૂમ થયા છે. આવેદન પત્રો અને ઠેર-ઠેર પોસ્ટરો લગાવ્યા બાદ હવે ભાજપની સભાઓમાં જઈને વિરોધ કરવામાં આવતા ભાજપ ચિંતામાં મુકાઇ ગયું છે. હજુ સુધી ભાજપ દ્વારા સુખદ અંત લાવવામાં આવ્યો નથી, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ક્ષત્રિયો ઉગ્ર બની રહ્યા છે. ત્યારે આજરોજ કામરેજ તાલુકાના સેવની ગામે કામરેજ તાલુકા ભાજપના નેતાઓ પ્રચાર માટે પહોંચ્યા હતા અને રામજી મંદિર નજીક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સભા પૂર્ણ થાય એ પહેલાં સ્થાનિક ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ પહોંચી હતી અને રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચાર કરતા વાતાવરણ ગરમ થઇ ગયું હતું. હાજર કામરેજ તાલુકા ભાજપ સંગઠનના તાલુકા મહામંત્રી હિતેન પટેલ સહિતના નેતાઓએ સતત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હાલ ક્ષત્રિયો દ્વારા ભાજપનો કરાયેલ વિરોધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો


.png)