વ્યારા નગરમાં પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સ્ટેશન વિસ્તારથી લઈ સયાજી ગ્રાઉન્ડ સુધી આવેલા લારી ગલ્લા- પાથરણાનાં દબાણો દૂર કરી ટ્રાફિક સમસ્યા હલ કરવાનો પ્રયાસ કર્યો. વ્યારા નગરમાં એકાએક આજે પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી નગરપાલિકાના કર્મચારીઓએ 50થી વધુ લારી ગલ્લાઓને દૂર કરી નગર દબાણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. નગરપાલિકા દ્વારા આવનાર દિવસમાં હજી અન્ય વિસ્તારોમાં પણ કડક હાથે કામગીરી કરવાની તજવીજ હાથ ધરવાની હોવાનું જાણવા મળ્યું છે.
વ્યારા નગરના મુખ્ય માર્ગ પર ખાસ કરીને સયાજી સર્કલથી હાઇવેને જોડતો તેમજ જુના બસ સ્ટેન્ડ જોડતા માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી લારી ,પાથરણાં દબાણો વધ્યા હતા. વ્યારા નગરપાલિકા દ્વારા આજરોજ વ્યારા પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓની ટીમ એકાએક વ્યારા નગરમાં ઉતરી પડી હતી, અને સયાજી સર્કલથી જુના બસ સ્ટેન્ડ તેમજ મુખ્ય બજાર સુધીના માર્ગો પર લારી, ગલ્લા ધારકો અને પાથરણાં ધારક લોકોને દબાણ હેઠળ દૂર કરી દેવાયા હતા.
જોકે વ્યારા પાલીકા દ્વારા વ્યારા નગરમાં દુકાનોની બહાર દબાણ હોય તેવી દુકાનો સીલ કરવાની કામગીરી કરવામાં આવે તો જ દબાણની સમસ્યા દૂર થાય તેમ છે. વ્યારા માર્કેટ વિસ્તારમાં દુકાનોની બહાર દબાણ અને લારીવાળાઓના દબાણને કારણે બજારમાંથી ચાલવું મુશ્કેલ બન્યુ છે. વ્યારા પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી નહીંવત કરવામાં આવે છે.
જેથી આ કામગીરીની અસર થોડાક સમય સુધી જ રહે છે. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે. ઉનાઇ ચાર રસ્તાથી જુના બસ સ્ટૈન્ડ સુધી દુકાન ધારકો, શોરૂમનાં માલિકોએ ફૂટપાથની જગ્યા પચાવી પાડી છે, કેટલાંકે ફૂટપાથ પર સરકારી જગ્યામાં રોડ માર્જીનમાં બાંધકામ કર્યુ છે. આ વ્યારાનો મુખ્ય માર્ગ હોય મોટા પ્રમાણમાં ભારે વાહનોની અવર જવર રહેતા અહીં ટ્રાફિક સમસ્યાથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.

.png)