IPL 2024ની પાંચમી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. સિઝનની શરૂઆતના થોડા દિવસો પહેલા મુંબઈએ રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવ્યો હતો. ટીમ મેનેજમેન્ટના આ નિર્ણય સામે ચાહકોએ ઘણો વાંધો ઉઠાવ્યો હતો. હવે ગુજરાત વિરુદ્ધ મુંબઈની મેચમાં પણ પંડ્યા આ જ મુદ્દાને કારણે ફરી લોકોના નિશાના પર આવ્યો. ગુજરાત સામેની મેચમાં પંડ્યા સામે જબરદસ્ત હૂટિંગ થયું હતું. હાર્દિકને ટ્રોલ કરવાનો કોઈ એક કારણ નથી, ચાહકો ઘણા કારણોસર તેનાથી નારાજ છે.
ગુજરાત અને મુંબઈની મેચ અમદાવાદમાં રમાઈ હોવાથી ત્યાંના લોકોમાં હાર્દિક પ્રત્યે નારાજગી સ્વાભાવિક હતી. કારણ કે તે ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ ગયો. હાર્દિકે IPL 2022માં તેની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું અને તેની ટીમ IPL 2023માં ફાઇનલમાં પહોંચી હતી. હાર્દિક અને રોહિત વચ્ચેના અણબનાવના સમાચારને કારણે ક્રિકેટ ચાહકોએ હાર્દિકને લપેટામાં લીધો હતો. જ્યારે રોહિત પાસેથી કેપ્ટનશિપ છીનવા અંગે પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે કોચ માર્ક બાઉચર અને કેપ્ટન હાર્દિક પંડ્યા મૌન રહ્યા હતા. આ તમામ ઘટનાઓ એક મોટો વિવાદ સર્જી રહી છે.
રોહિતના સમર્થનમાં લાગ્યા નારા
ગઈકાલે રમાયેલી મેચમાં રવિ શાસ્ત્રીએ ટોસ દરમિયાન જયારે હાર્દિક પંડ્યાનું નામ લીધું તો મેદાનમાં હાજર દર્શકોએ તેની વિરુદ્ધ હૂટિંગ કર્યું અને રોહિત…રોહિતના નારા પણ લગાવવા લાગ્યા હતા. મેદાનમાં આવા ઘણા દર્શકો જોવા મળ્યા હતા, જેઓ રોહિત શર્માને કેપ્ટનશિપ આપવાનું સમર્થન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિકે ઈનિંગની પ્રથમ ઓવર ફેંકી ત્યારે કેટલાક લોકો રોહિત-રોહિતના નારા લગાવતા જોવા મળ્યા હતા. જો હાર્દિકના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે આ મેચમાં 3 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 30 રન આપ્યા હતા.



.png)