લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ (Arvind Kejriwal Arrest) થયા બાદ દિલ્હીના રાજકારણમાં ભારે ખળભળાટ જોવા મળી રહ્યો છે. એક તરફ કેજરીવાલને જેલમાં ધકેલી દેવાયા છે, તો બીજી તરફ ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે. કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીની આજે પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવા ઉપરાંત કાર્યકર્તાઓનો જોશ વધારવા મંત્ર પણ અપાયો હતો.
વડાપ્રધાન મોદી અમારો પ્રચાર કરી રહ્યા છે : સંદીપ પાઠક
AAPના સંગઠન મહામંત્રી સંદીપ પાઠકે (Sandeep Pathak) જણાવ્યું કે, ‘અમે આજે યોજેલી બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈ ખાસ રણનીતિ તૈયાર કરી છે. ચૂંટણી પ્રચાર જરૂર થશે, પરંતુ હવે પ્રચાર કરવાની જરૂર નથી, કારણ કે કેજરીવાલ બહાર જેટલા મજબૂત હતા, તેનાથી વધુ તેઓ જેલની અંદર મજબૂત છે. ભાજપે પોતાના પગ પર જ કુહાડી મારી દીધી છે. ધરપકડ બાદ હવે વડાપ્રધાન મોદી અમારો પ્રચાર કરી રહ્યા છે. આજે દિલ્હીના રસ્તાઓ પર તમામ લોકો કેજરીવાલ-કેજરીવાલ કરી રહ્યા છે. આજે લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને વોટ આપવાના બદલે કેજરીવાલને વોટ આપવાની વાત કરી રહ્યા છે. કેજરીવાલ જેલની અંદર બેઠા છે અને બહાર વડાપ્રધાન અમારો પ્રચાર કરી રહ્યા છે, તેથી અમારે કોઈ ટેન્શન નથી.’



.png)